<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

વડોદરાની છાણી કેનાલમાંથી ઓઢણીથી બાંધેલી બાળકી સાથે મહિલાનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

સમયસર એમ્બ્યુલન્સ અને તબીબી સહાય ન મળવાથી બંનેના જીવ ગયાની આશંકા, ફતેગંજ પોલીસ દ્વારા ઓળખ અને તપાસ શરૂ

વડોદરા:વડોદરા શહેરના છાણી કેનાલ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં કેનાલના પાણીમાંથી એક મહિલા અને ૮ મહિનાની માસૂમ બાળકીના તરતા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ મૃતકો માતા અને પુત્રી હોવાની શંકા સેવાઈ રહી છે, જો કે હાલ ફતેગંજ પોલીસે મૃતકોની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા અને આ ઘટના પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ છાણી કેનાલ પાસેથી પસાર થતા સ્થાનિક લોકોને પાણીમાં એક મહિલા તરતી નજરે પડી હતી. આ જોઈને તાત્કાલિક નજીકમાં જ ગેરેજ ચલાવતા એક યુવક અને અન્ય સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ સાહસિક યુવકોએ પોતાની સૂઝબૂઝ અને સાહસથી જાતે જ દોરડાની મદદથી કેનાલની અંદર ઉતરીને મહિલાને બહાર કાઢી હતી. જ્યારે મહિલાને બહાર કાઢવામાં આવી ત્યારે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી કે મહિલાએ પોતાના કમરના ભાગે ૮ મહિનાની માસૂમ બાળકીને ઓઢણી વડે મજબૂતાઈથી બાંધેલી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સમયસર એમ્બ્યુલન્સ કે તબીબી સહાય ઉપલબ્ધ ન થઈ શકાવાના કારણે બંનેના જીવ બચાવી શકાયા ન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોમાં તંત્રની બેદરકારી અને કટોકટીની સ્થિતિમાં સમયસર સેવા ન મળવાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. માસૂમ બાળકી અને મહિલાના આ પ્રકારે શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

હાલ ફતેગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ મામલે અકસ્માતે મોત તેમજ આત્મહત્યા કે હત્યાના કોણ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તેમજ વડોદરા તથા આસપાસના પોલીસ મથકોમાં ગુમ થયેલા વ્યકિતઓની યાદી મેળવીને મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેથી આ કરુણાંતિકાનું સાચું રહસ્ય બહાર આવી શકે.

(1:21 PM IST)