તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 8th November 2026
દાહોદના સંજેલીના કરંબા ગામે બે જૂથ વચ્ચે ધીંગાણાં મામલે મહિલા સહીત 35થી વધુ લોકોની અટકાયત
ત્રણ મહિના જૂના અકસ્માતની અદાવતને લઈ બે પક્ષો વચ્ચે ધીંગાણું થતા ઘટનાસ્થળે પહોંચેલી 112ની ટીમ પર પથ્થરમારો અને પોલીસ વાન પર હુમલો કરાયો હતો:ASP, DySP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ગામમાં તૈનાત કરાયો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને પગલે બે પક્ષો વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું હતું. ત્રણ મહિના અગાઉ બનેલા એક અકસ્માતની ઘટનાને લઈને બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા મનદુઃખે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. જોતજોતામાં મામલો એટલો વણસ્યો કે બંને જૂથો સામસામે આવી ગયા હતા અને ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
કરંબા ગામે ધીંગાણાની ઘટના બનતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે ઇમરજન્સી સેવા 112ની ટીમ પહોંચી હતી. જોકે, ઉશ્કેરાયેલા ટોળા દ્વારા 112ની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત પોલીસની વાનને પણ નિશાન બનાવવામાં આવી હતી અને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. પોલીસની વાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ઘટનાને પગલે સંજેલી પોલીસ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક કરંબા ગામે પહોંચ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહિલાઓ સહિત 35 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પર પથ્થરમારો અને પોલીસ વાન પર હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
કરંબા ગામમાં સર્જાયેલી તંગદિલીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે. ASP, DySP સહિત LCB અને SOG ની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. આ ઉપરાંત લીમડી, સંજેલી, ઝાલોદ અને સુખસર સહિતના પોલીસ મથકોનો સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
