News of Saturday, 1st August 2026
મહીસાગરમાં તોફાની વાવાઝોડાએ વેર્યો વિનાશ: મજૂરો સાથેનું કન્ટેનર હાઉસ હવામાં ફંગોળાઈ ખાડામાં ખાબકતાં જૂનાગઢના ૨૩ વર્ષીય યુવાનનું મોત, ૬૬ KVનો હાઈ-ટેન્શન વીજ ટાવર પણ ધરાશાયી!
વીરપુર-બારોડા કેનાલ નજીક અચાનક ત્રાટકેલા ચક્રવાતી પવને મચાવી ભારે તબાહી; અંદર ઊંઘી રહેલા ૬ મજૂરો પૈકી ૫ ગંભીર રીતે ઘવાતાં હોસ્પિટલ ખસેડાયા, ૧નું કરૂણ નીપજ્યું મોત

મહીસાગર : મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં અચાનક ત્રાટકેલા તોફાની પવન અને આકાશી આફત જેવા વરસેલા ભયાનક વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. વીરપુર-બારોડા કેનાલ નજીક સીમ વિસ્તારમાં રોજીરોટી અર્થે આવેલા શ્રમિકો માટે ઊભા કરાયેલા અસ્થાયી કન્ટેનર હાઉસ પર કુદરતનો પ્રકોપ વરસતાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે. તીવ્ર વેગથી ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના લીધે આખું કન્ટેનર હાઉસ હવામાં ફંગોળાઈને બાજુમાં આવેલા પાણીથી ભરેલા ઊંડા ખાડામાં જઈ ખાબક્યું હતું.
ઊંઘમાં જ ત્રાટકી આફત: ૨૩ વર્ષીય સંતોષ કલાડિયાનું કરૂણ મોત
મળતી માહિતી મુજબ, રહેણાંક કન્ટેનરમાં આશ્રય લઈ રહેલા તમામ છ મજૂરો મૂળ જૂનાગઢ જિલ્લાના વતની હતા અને કેનાલ નજીકના વિકાસકામો માટે વીરપુરમાં મજૂરીકામે આવ્યા હતા. મોડી રાત્રે અચાનક શરૂ થયેલા તોફાની વાવાઝોડા અને ભારે વરસાદથી કન્ટેનરે સંતુલન ગુમાવ્યું હતું અને પવનના જોરથી ઊડીને ખાડામાં પછડાયું હતું. અંદર નિદ્રાધીન મજૂરોને બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ આ દુર્ઘટના બની જતાં ૨૩ વર્ષીય યુવાન સંતોષભાઈ ગોવિંદભાઈ કલાડિયાનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું, જેનાથી શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
૫ મજૂરો ગંભીર રીતે ઘવાયા, લુણાવાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય પાંચ શ્રમિકો - રોહિત અશોકભાઈ કલાડિયા (૧૯), પ્રફુલ્લ મકવાણા (૨૭), ઉમેશ જિકાભાઈ રાઠોડ (૨૨), રવિભાઈ પ્રફુલભાઈ વિસનોડિયા (૨૨) અને મેહુલભાઈ ગામેરા (૨૨)ને તંત્ર અને સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી ત્વરિત વીરપુર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ નાજુક જણાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્રે કન્ટેનર હાઉસની સુરક્ષા અને ગુણવત્તા અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
૬૬ KVનો વીજ ટાવર જમીનદોસ્ત, વીજ માળખું ખોરવાયું
તોફાની પવનની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીકના ખેતરોમાંથી પસાર થતો જેટકો (GETCO)નો ૬૬ KVનો ભારેખમ હાઈ-ટેન્શન વીજ ટાવર પણ પવનના પ્રચંડ દબાણ સામે ટકી શક્યો ન હતો અને મુળમાંથી ઉખડીને ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી નજીકમાં કોઈ હાજર ન હોવાથી વીજ કરંટથી થનારી મોટી જાનહાનિ ટળી હતી.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
