તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ગુજરાત હાઈકોર્ટમાં ૧૫ વર્ષીય કિશોરની માતા વિરુદ્ધ અત્યંત ચોંકાવનારી અરજી: ડિવોર્સી માતાના ત્રાસ, મારઝૂડ અને છરી વડે હુમલાથી કંટાળીને પુત્રએ દાદા-દાદી સાથે રહેવાની માંગી મંજૂરી
માતા દ્વારા ઘરકામ કરાવવા, વીજળી બંધ કરી દેવા અને સતામણી કરવાનો આક્ષેપ, બાળ કલ્યાણ સમિતિ અને પોલીસ સામે કાયદેસરના પગલાં ન ભરવાના આરોપ સાથે કિશોરે ન્યાય માટે ખટખટાવ્યા અદાલતના દ્વાર

અમદાવાદ : ગુજરાતમાં કૌટુંબિક સંબંધો અને બાળ સુરક્ષા સામે સવાલો ઊભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી ડિવોર્સી માતાના અસહ્ય શારીરિક અને માનસિક અત્યાચારથી તંગ આવીને ૧૫ વર્ષનો એક કિશોર પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે.
કેસની વિગતો અનુસાર, કિશોરના માતા-પિતાના વર્ષ ૨૦૨૦માં છૂટાછેડા થયા બાદ તેની કસ્ટડી સરખેજ ખાતે રહેતી માતાને સોંપવામાં આવી હતી, જ્યારે તેના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે અને પિતૃ પક્ષનું પરિવાર મોરબીમાં રહે છે. કિશોરે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં ગંભીર આરોપ મૂક્યા છે કે તેની માતા તેની પાસે મજૂરી જેવું ઘરકામ કરાવતી હતી, વારંવાર ગાળો આપી મારઝૂડ કરતી હતી અને ઘરમાં એકલો હોય ત્યારે લાઈટ-પાવરનો સપ્લાય પણ બંધ કરી દેતી હતી.
આટલું જ નહીં, કિશોરે અરજીમાં એવો પણ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે કે એક પ્રસંગે જ્યારે તેની માતાએ તેના પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભયભીત થઈને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગવી પડી હતી.
માતાના સીતમમાંથી છૂટીને મોરબી ખાતે પોતાના દાદા-દાદી પાસે પહોંચેલા આ કિશોરે અગાઉ બાળ કલ્યાણ સમિતિ અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, પરંતુ માત્ર નિવેદન નોંધવા સિવાય સત્તાવાળાઓ દ્વારા જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતાં તેણે આખરે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરવી પડી હતી.
કિશોરે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરી છે કે બાળ કલ્યાણ સમિતિને તેની ઈચ્છા અને સુરક્ષા ધ્યાને રાખીને નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવે તેમજ તેને તેના મોરબી રહેતા દાદા-દાદીની કસ્ટડીમાંથી અલગ કરવામાં ન આવે, જેને પગલે હાઈકોર્ટના આ સંવેદનશીલ કેસ પરના નિર્ણય તરફ સૌની નજર મંડાયેલી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
