News of Friday, 24th April 2026
અમદાવાદના શીલજ વિસ્તારમાં અત્યંત શરમજનક કિસ્સો : ટ્યુશન આપતા શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે અડપલાં કર્યા
મોડી રાત્રે જ્યારે શિક્ષકે સગીરાને મળવા માટે બહાર બોલાવી ત્યારે માતાનું ધ્યાન ગયું: ટ્યુશન ક્લાસ ચલાવતા નરસિંહ ઉર્ફે રાવ સર નામના શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ

અમદાવાદના શીલજ વિસ્તારમાં એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાના ધામમાં દીકરીઓને ભણાવનાર શિક્ષકે જ માનવતા અને વિશ્વાસની તમામ હદો વટાવી દીધી છે. ટ્યુશન આપતા શિક્ષકે 13 વર્ષની સગીરા સાથે અડપલાં કરી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે માતાએ સગીરાની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
શીલજ વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા નરસિંહ ઉર્ફે રાવ સર નામના શિક્ષક સામે આ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે. પીડિત સગીરા આ શિક્ષક પાસે અભ્યાસ કરવા જતી હતી, પરંતુ શિક્ષક ભણાવવાને બદલે સગીરા સાથે અડપલાં કરતો હતો. શરૂઆતમાં ડરના કારણે સગીરા કંઈ બોલી શકી નહોતી, પરંતુ શિક્ષકની હિંમત દિવસેને દિવસે વધતી ગઈ હતી. મોડી રાત્રે જ્યારે શિક્ષકે સગીરાને મળવા માટે બહાર બોલાવી ત્યારે સદનસીબે માતાનું ધ્યાન ગયું હતું. માતાએ પોતાની દીકરીની વર્તણૂકમાં આવેલો બદલાવ જોઈને તેને પ્રેમથી વિશ્વાસમાં લીધી અને પૂછપરછ કરી, ત્યારે સગીરાએ રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી વર્ણવી હતી.
આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીના ભવિષ્ય માટે જેને જવાબદારી સોંપી હતી તે જ વ્યક્તિ તેની સુરક્ષા માટે ખતરો બની ગયો હતો. પરિવારે તુરંત જ હિંમત દાખવીને આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં નરસિંહ ઉર્ફે રાવ સર વિરુદ્ધ પોક્સો (POCSO) અને છેડતીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
