તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
મેઘરાજાને મનાવવાનો અનોખો નુસ્ખો: બનાસકાંઠામાં મહિલાઓએ બનાવ્યા ‘ઢુંઢિયા બાવજી’, ગામેગામ ફરીને કરી વરસાદ માટે પ્રાર્થના : દાંતીવાડા તાલુકાના ભાચર ગામે જૂની લોકપરંપરા જીવંત
ચોમાસું નબળું પડતા મહિલાઓએ ગાયના છાણમાંથી બનાવી માનવ આકૃતિ, ઢોલ-નગારા સાથે ગીતો ગાઈ ઘરે-ઘરે માંગી ભિક્ષા, ‘ઢુંઢિયા બાવજી ભૂખ્યા છે, વરસાદ વરસાવો’ ના નારા ગુંજ્યા, ગ્રામજનોમાં કૌતુક

બનાસકાંઠા : ચોમાસાની શરૂઆત થઈ હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સ્થિતિમાં મેઘરાજાને રિઝવવા માટે દાંતીવાડા તાલુકાના ભાચર ગામની મહિલાઓએ સદીઓ જૂની લોકપરંપરા ‘ઢુંઢિયા બાવજી’ ને જીવંત કરી છે.
શુક્રવારે સવારે ગામની 50 થી વધુ મહિલાઓ ભેગી થઈ હતી. તેમણે ગાયના છાણ અને માટીમાંથી ‘ઢુંઢિયા બાવજી’ નામની માનવ આકૃતિ બનાવી. બાવજીને જૂના કપડાં પહેરાવી, તેના હાથમાં છાશનું વેલણ અને રોટલો આપી તૈયાર કરવામાં આવ્યો. ત્યારબાદ મહિલાઓએ ઢોલ-નગારા સાથે ગીતો ગાતા ગામમાં ફેરવ્યો.
પરંપરા મુજબ મહિલાઓ ઘરે-ઘરે જઈને ‘ઢુંઢિયા બાવજી ભૂખ્યા છે, હે મેઘરાજા વરસાદ વરસાવો’ એવા નારા લગાવે છે. ગ્રામજનો બાવજીને અનાજ, ઘી, ગોળ અને રોકડ ભિક્ષા આપે છે. એવી માન્યતા છે કે બાવજી ભૂખ્યા રહે તો દુકાળ પડે છે, અને તેને જમાડવાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે.
ગામના વડીલ રમીલાબેને જણાવ્યું કે, "અમારા દાદી-નાનીના સમયથી આ પરંપરા ચાલી આવે છે. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે અમે બાવજી બનાવીએ છીએ. બીજા જ દિવસે વરસાદ આવી જાય છે, એવો અમારો વિશ્વાસ છે."
ભેગા થયેલા અનાજમાંથી ગામમાં સમૂહ ભોજન બનાવીને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ અનોખી પ્રથા જોવા માટે આસપાસના ગામોમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
