<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીનો અનોખો પ્રયોગ – વેકેશનમાં પણ શિક્ષણ માટે જાગૃતિ અભિયાન

અનિલ ગુરુજીનું આ કાર્ય અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને સમાજમાં શિક્ષણના મહત્ત્વને મજબૂત બનાવે છે.

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી દ્વારા શિક્ષણ પ્રત્યેની લગન અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન શાળાઓ બંધ રહેતી હોય છે, ત્યારે પણ અનિલ ગુરુજી આરામને પ્રાથમિકતા આપવાના બદલે શિક્ષણ જાગૃતિ માટે સક્રિય રીતે કાર્યરત છે.

 તેઓ રોજ ગામમાં બેલ વગાડી ફળિયે ફળિયે જઈ બાળકોને ભેગા કરે છે અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેમને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરિત કરે છે. આ અનોખી પહેલ દ્વારા ગામમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રવૃત્તિ માત્ર વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ ઉભો કરી રહી છે. અનિલ ગુરુજીનું આ કાર્ય અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને સમાજમાં શિક્ષણના મહત્ત્વને મજબૂત બનાવે છે.
સ્થાનિક સ્તરે તેમની આ કામગીરીને વખાણ મળી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે. આવા શિક્ષકોએ સમાજમાં સાચા અર્થમાં શિક્ષણની દીવાદાંડી પ્રગટાવી છે.

(11:55 PM IST)