News of Sunday, 3rd May 2026
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આજ્ઞા-ઉપાસનાના કેન્દ્ર વડતાલ ધામમા ભક્તિ-જીવદયાનો અનોખો સંગમ: શ્રી હરિકૃષ્ણ મહારાજને ૫૦૦ કિલો કેસર કેરીનો દિવ્ય અન્નકૂટ અર્પણ : લુપ્ત થતી ચકલીઓના સંરક્ષણ માટે ૫ હજાર પાણીના કુંડા-માળાનું વિતરણ
મંદિર પરિસરમાં 112મી રવિસભા ભક્તિભાવપૂર્વક સંપન્ન : સને 2018થી ચાલતું "ચકલી બચાવો" અભિયાન ૮ મા વર્ષમાં પ્રવેશ્યું : યુએસએ સ્થિત સવિતાબેન ચંદુભાઈ પટેલ પરિવારના યજમાનપદે સેવાયજ્ઞ યોજાયો

રાજકોટ તા.૩શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આજ્ઞા-ઉપાસનાના કેન્દ્ર વડતાલ ધામ ખાતે આજે ભક્તિ અને જીવદયાનો અનોખો સંગમ સર્જાયો હતો. વડતાલ ધામમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિતના દેવોને આજે સવારે 500 કિલો કેસર કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ગ્રીષ્મ ઋતુ નિમિત્તે ધરાવાયેલા આ કેરી ઉત્સવના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ઉનાળાના ધોમધખતા તાપમાં લુપ્ત થતા ઘરઆંગણાના પક્ષી ચકલીના સંરક્ષણ માટે વડતાલ સંસ્થાન દ્વારા "ચકલી બચાવો" અભિયાન અંતર્ગત પીવાના પાણીના 5 હજાર કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા પૂ. શ્યામવલ્લભ સ્વામીની પ્રેરણાથી આ સેવાયજ્ઞના યજમાન USA સ્થિત સવિતાબેન ચંદુભાઈ પટેલ બન્યા હતા. સને 2018માં શરૂ થયેલો આ જીવદયા યજ્ઞ આજે 8મા વર્ષમાં પ્રવેશ્યો છે.
આજે સાંજે મંદિર પરિસરમાં 112મી રવિસભાનું આયોજન થયું હતું. આ સભાના યજમાન અ.નિ. કાંતિભાઈ મયજીભાઈ પટેલ તથા અ.નિ. કુસુમબેન કાંતિભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં મહેળાવ નિવાસી યોગેશભાઈ, મીમીનલબેન, મિહિર, જાનવી તથા ભાવિક પરિવાર હાલ કેન્યા રહ્યા હતા. સભામાં જીવદયા પ્રેમીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતું. 112મી રવિસભાનું સંચાલન તથા વ્યવસ્થા પૂ. શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.
શ્રદ્ધાંજલિ અપૅણ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આભૂષણ સમાન અને મેમનગર ગુરુકુળની શોભા એવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીને ધૂન સાથે આજની 112 ની રવિ સભામાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અક્ષર નિવાસી હરિસ્વરૂપ સ્વામીનું જીવન સેવા સમર્પણ અને સાધુતાનું ઉત્તમ ઉદાહરણ હતું. એમણે હજારો યુવાનો અને હરિભક્તોના જીવનમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
