<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા ટપાલી ઝફર મુલ્લાંનું ઘટનાસ્થળે જ મોત

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો: ઘટનાને પગલે કીમ પંથકમાં શોકની લાગણી પ્રસરી

સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ટપાલીનું ટ્રેનની અડફેટે આવતા કરૂણ મોત નિપજ્યું છે. કીમ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ટપાલી ઝફર મુલ્લા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

ટ્રેનની અડફેટે આવતાં ઝફર મુલ્લાંને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્રના કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્મતની જાણ થતાં તંત્રના માણસોએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજામાં લીધો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કીમ પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે કીમ રેલવે સ્ટેશન નજીકના આ રેલવે ટ્રેક પર રાહદારીઓ દ્વારા ટ્રેક ક્રોસ કરવાના કારણે અગાઉ પણ અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. ટ્રેક ક્રોસ કરતી વખતે લોકો ટ્રેનની અડફેટે આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તેમ છતાં રાહદારીઓ માટેની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

(9:53 PM IST)