તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરતમાં અરેરાટી વ્યાપી જાય તેવી કરૂણ ઘટના: સોસાયટીમાં રમતી ૭ વર્ષની બાળકી પર કાર ફરી વળી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દનાક મોત!
કામરેજની સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં વળાંક લેતી વખતે યુવકનું ધ્યાન ચુકાયા બાદ ઘટેલી દુર્ઘટના; બાળકીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

સુરત : સુરતના કામરેજ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ઘર પાસે સોસાયટીના કમ્પાઉન્ડમાં નિર્દોષપણે રમી રહેલી સાત વર્ષની બાળકી પર એક અચાનક કાર ફરી વળતાં તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જનાર કારચાલક પણ એ જ સોસાયટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
વળાંક લેતી વખતે કાર નીચે આવી ગઈ બાળકી
ઘટનાની વિગતો અનુસાર, કામરેજ સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા સંજયભાઈ બોરડની સાત વર્ષની પુત્રી જન્નત પોતાના ઘર પાસે સોસાયટીમાં રમી રહી હતી. તે સમયે સોસાયટીમાં જ રહેતા ૩૫ વર્ષીય એન્જિનિયર અજયકુમાર પોશીયા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તેમણે સોસાયટીમાં કારનો ટર્ન (વળાંક) લીધો ત્યારે તેમનું ધ્યાન ન રહેતાં બાળકી કારની ઝપેટમાં આવી ગઈ હતી અને ગાડીના વ્હીલ નીચે કચડાઈ ગઈ હતી.
માથાના ભાગે ગંભીર ઇજા થતાં જીવ ગુમાવ્યો
અકસ્માત થતાં જ કારચાલક અને આસપાસના લોકો તાત્કાલિક બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, બાળકીને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ડૉક્ટરો તેને બચાવી શક્યા નહોતા અને સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. બાળકીના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આ દુર્ઘટના બાદ મૃતક બાળકીના પિતા સંજયભાઈ બોરડની ફરિયાદના આધારે પોલીસે કારચાલક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ, પીડિત અને આરોપી બંને પરિવારો મૂળ સૌરાષ્ટ્રના છે; જેમાં બાળકીનો પરિવાર મૂળ અમરેલી જિલ્લાનો અને કારચાલક યુવક ગીર-સોમનાથ જિલ્લાનો વતની છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
