તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
કેનેડામાં વર્ક વિઝા અપાવાવના બહાને અમદાવાદમાં બે યુવકો સાથે કુલ 72.30 લાખની છેતરપિંડી
થલતેજ સ્થિત વિઝા કન્સલ્ટન્સીના સંચાલક દંપતિ અને બે ભાઈઓએ મળીને 2 યુવકોને નકલી જોબ એપ્રુવલ લેટર્સ મોકલ્યા હતા

અમદાવાદ :વિદેશમાં કમાણી કરવા ઇચ્છતા લોકોને વર્ક વિઝાના નામે પૈસા પડાવવાનાં રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં કેનેડામાં વર્ક વિઝા અપાવાવના બહાને બે યુવકો સાથે કુલ 72.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. થલતેજ સ્થિત વિઝા કન્સલ્ટન્સીના સંચાલક દંપતિ અને બે ભાઈઓએ મળીને 2 યુવકોને નકલી જોબ એપ્રુવલ લેટર્સ મોકલી આપ્યા હતા. આ મામલે યુવકોએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
મળતી વિગતો મુજબ, ગાંધીનગરના યશવંત ચૌધરીને 2024માં કેનેડા જવાનું હતું. તે દરમિયાન થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રોવિશ ઇમિગ્રેશન ઓફિસમાં કેનેડાના વર્ક વિઝા અંગ આરોપીઓનો સંપર્ક થયો હતો.
- આકાશ પંચાલ
- જીનલ પંચાલ
- ભાર્ગવ પંચાલ
- દર્શન પંચાલ
આરોપીઓએ પીડિતને ખાતરી આપી હતી કે, તેમને વિઝા ટૂંક સમયમાં જ મળી જશે. આરોપીઓએ યુવક પાસેથી રજિસ્ટ્રેશનના નામે 50 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ તેને બનાવટી જોબ એપ્રુવલ લેટર આપ્યો હતો. યુવકનો વિશ્વાસ કેળવીને તેની પાસેથી કેનેડાની ટોરન્ટો-ડોમિનિયલ બેન્કના એકાઉન્ટમાં તેમજ ઇન્ડિયાના અલગ અલગ એકાઉન્ટમાં કુલ 32 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી દિધી હતી. જે બાદ તેને પાસપોર્ટ સબમિશન લેટર આપ્યો હતો.
બીજી ઘટનામાં આ ચારેય આરોપીઓએ હિંમતનગરના એક યુવક સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ઉમેશ ગોપાલભાઈ પટેલને વર્ષ 2023થી 2025 દરમિયાન કેનેડામાં વર્ક વિઝાના નામે કુલ રુ.44.35 લાખ પડાવી લીધા હતા. જે બાદ આરોપીઓનો ભાંડાફોડ થતાં આરોપીઓે રુ,4.80 લાખ પરત કરી દીધા હતા. આથી બંને યુવકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બંને યુવકોને જ્યારે પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
સૌથી ચૌંકાવનારી બાબત એ છે કે, આરોપીઓએ પીડિત યુવકો પાસેની રકમ કેનેડાની બેન્કમાં ટ્રાન્સફર કરાવી હતી. તે એકાઉન્ટ કોણ ઓપરેટ કરતું હતું. તે દિશામાં પોલીસે વધુ તપાસ શરુ કરી છે. આ બાબતે આ બેન્કનો નંબર યુવકોએ પોલીસને આપ્યો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આરોપીઓએ બંને યુવકોને ફેક જોબ એપ્રુવલ લેટર આપ્યા. આ લેટર દિલ્હીમાં બનાવડાવ્યા હતા. જેથી આ વિઝા કૌભાંડ બીજા રાજ્યોમાં પણ ફેલાયેલું હોઈ શકે તેવી આશંકા છે. હાલ આ દિશામાં પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
