તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
સુરતમાં દારૂની હેરાફેરી કરતા ટ્રાફિક શાખાના 4 પોલીસકર્મીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ
LCB જવાન પર જીવલેણ હુમલો કરી ભાગવાનો પ્રયાસ:કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના:સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર

સુરતમાં દારૂની હેરાફેરી કરતા ટ્રાફિક શાખાના 4 પોલીસકર્મીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર એંધલ ગામ પાસે LCBની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરાતાં, તેમાં સવાર નશામાં ધૂત પોલીસકર્મીઓએ ફરજ પરના LCB જવાન સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, કાયદાનો ડર ભૂલીને તેમણે LCB જવાન પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી કાર ભગાડી મૂકી હતી.
ઘટના બાદ LCB પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. વેસ્મા નજીક નાઝ હોટલ પાસે કડક નાકાબંધી કરીને પોલીસે સ્વિફ્ટ કારને ઘેરી લીધી હતી અને કારમાં સવાર તમામ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 64 બોટલો મળી આવી હતી. પોલીસે કાર, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ ₹5.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ શર્મસાર કરતી ઘટનામાં ઝડપાયેલા આરોપીઓમાં સુરત રીઝીયન-2 ટ્રાફિકના અંકિતભાઇ કમુભાઇ દેવડા, દિતાભાઇ માવાભાઇ ચૌહાણ, રાહુલકુમાર બાબુભાઇ ધ્રાંગી, રીઝીયન-3 ટ્રાફિકના પીન્ટુભાઇ સાજાભાઇ ડુંગાઇસા અને એક ખાનગી હીરા ઘસવાનું કામ કરતો દેવરાજભાઇ રબારી શામેલ છે. તમામ આરોપીઓ સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
