<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ગાંધીનગરમાં રોજનું ₹૫ હજાર ભાડું ચૂકવીને ધમધમતું હાઈટેક જુગારધામ ભાંગ્યું: અડાલજ પોલીસના મેગા દરોડામાં ૨૧ જુગારીઓ રંગેહાથ ઝડપાયા!

પોર ગામની સીમમાં ઓરડી ભાડે રાખી રમાતા જુગાર પર પોલીસનો સપાટો, મુખ્ય સૂત્રધાર સકંજામાં અને ₹૫.૬૪ લાખનો તોતિંગ મુદ્દામાલ જપ્ત.

ગાંધીનગર:  શ્રાવણ માસની શરૂઆત સાથે જ સક્રિય થયેલા જુગારીઓ પર અડાલજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પોર ગામની સીમમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર ઓચિંતી છાપેમારી કરીને લાખોના મુદ્દામાલ સાથે ૨૧ ખેલીઓને પત્તા ફેંકતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અડાલજ પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે અજય ઉર્ફે અબ્દુલ ચંદુજી ઠાકોર નામનો શખ્સ પોર ગામની સીમમાં આવેલી એક ઓરડી ભાડે રાખીને બહારથી માણસો બોલાવી મોટા પાયે જુગાર અડ્ડો ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચોને સાથે રાખીને ચારે તરફથી ઘેરાબંધી કરી છાપો માર્યો હતો. દરોડા દરમિયાન ઓરડીમાં બે અલગ-અલગ કુંડાળા બનાવીને જુગાર રમી રહેલા ૨૧ શખ્સો ઝડપાઈ ગયા હતા.

પોલીસે સ્થળ પરથી દાવ પરના રૂ. ૨૫,૦૦૦ અને આરોપીઓની અંગજડતીમાંથી રૂ. ૪,૧૫,૨૦૦ મળી કુલ રૂ. ૪,૪૦,૨૦૦ ની રોકડ રકમ રિકવર કરી હતી. આ ઉપરાંત રૂ. ૧,૨૪,૦૦૦ ની કિંમતના ૧૬ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫,૬૪,૨૦૦ નો તોતિંગ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર અજય ઠાકોર આ ઓરડી વિજય ઠાકોર નામના શખ્સ પાસેથી રોજના ₹૫,૦૦૦ ના ભાડાથી રાખીને જુગાર રમાડતો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:24 PM IST)