તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ચીખલીના આલીપોરની જામિયા રહેમાનિયા ખાંભિયા મદ્રેસામાં રહેતા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ આતંકીને ઝડપી લેવાયો
મદ્રેસામાં જ મૌલવી તરીકે ફરજ બજાવતા પોતાના બનેવી જાબીર સોનસરાના ક્વાર્ટર્સમાં રહેતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક સ્તરે અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ખળભળાટ મચી ગયો

ગુજરાત રાજ્યને આતંકી હુમલાનો પ્લાન બનાવીને હચમચાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હુમલાનું કાવતરું રચનાર 8 આતંકીઓ પૈકીના એક, મહમદ અબ્દુલ સવડીની નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આતંકી જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા પ્રતિબંધિત સંગઠન સાથે સીધો જોડાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આરોપી ચીખલીના આલીપોરમાં આવેલી જામિયા રહેમાનિયા ખાંભિયા મદ્રેસામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. તે અહીં મદ્રેસામાં જ મૌલવી તરીકે ફરજ બજાવતા પોતાના બનેવી જાબીર સોનસરાના ક્વાર્ટર્સમાં રહેતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિક સ્તરે અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. આલીપોર જેવા શાંત ગણાતા વિસ્તારમાંથી આતંકી ઝડપાતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે.
આરોપીના બનેવી જાબીર સોનસરાએ આ સમગ્ર ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરતા દાવો કર્યો છે કે, તેમને મહમદના આતંકી કનેક્શન વિશે કોઈ પણ જાણકારી ન હતી. તેમણે કહ્યું કે, મહમદને કોઈએ ફસાવ્યો હોય તેવી શક્યતા છે અને તે આતંકી પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે અજાણ હતા. જોકે, સુરક્ષા એજન્સીઓ આ નિવેદનોને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ કરી રહી છે કે આરોપી કેટલા સમયથી અહીં રહેતો હતો અને તેની ગતિવિધિઓ શું હતી.
આ ધરપકડ બાદ નવસારી અને ચીખલી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આતંકી મોડ્યુલના અન્ય સાથીદારોની પણ શોધખોળ તેજ કરવામાં આવી છે. રાજ્યમાં શાંતિ ડહોળવાના તમામ પ્રયાસોને સુરક્ષા દળોએ સમયસર પકડી પાડીને ગુજરાતને મોટી દુર્ઘટનામાંથી બચાવ્યું છે. આગામી સમયમાં તપાસ દરમિયાન અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
