<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ધોળકામાં જાણીતી ખાનગી કંપની ઝાયડસના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ભભૂકી

ધોળકા ઉપરાંત અમદાવાદ અને આસપાસના સ્ટેશનો પરથી કટોકટીના ધોરણે ફાયર ફાઈટરની ગાડીઓ રવાના

અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ધોળકા વિસ્તારમાંથી આગની એક અત્યંત મોટી દુર્ઘટના સામે આવી રહી છે. ધોળકા ખાતે આવેલા જાણીતી ખાનગી કંપની ઝાયડસના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં તેણે સમગ્ર ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ ભીષણ અકસ્માતને કારણે ફેક્ટરી પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

 

મળતી વિગતો અનુસાર, ધોળકામાં આવેલા ઝાયડસના આ ગોડાઉનમાં કંપનીનો મહત્વનો માલસામાન, પેકિંગ મટિરિયલ અને અન્ય સામગ્રી રાખવામાં આવી હતી. આગ લાગતાની સાથે જ કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થોના કારણે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આકાશને આંબતી આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોઈ શકાતી હતી. 

 

આગની આ ભયાનક ઘટના અંગે કંપનીના સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ધોળકા ઉપરાંત અમદાવાદ અને આસપાસના સ્ટેશનો પરથી કટોકટીના ધોરણે ફાયર ફાઈટરની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. હાલમાં ઘટનાસ્થળે અંદાજે છ ફાયર ફાઈટરની ટીમો વોટર કેનન અને ફોર્મ સપ્લાય સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 

હાલના તબક્કે પ્રાથમિક પ્રાધાન્ય આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું હોવાથી વહીવટી તંત્ર તે દિશામાં કામ કરી રહ્યું છે. જોકે, ઝાયડસના આ હાઈ-ટેક ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે કે પછી કોઈ અન્ય ટેકનિકલ ખામીના લીધે આ દુર્ઘટના સર્જાઈ છે, તે કારણ હજુ અકબંધ છે. 

(11:10 PM IST)