<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

વડોદરાથી દેવગઢ બારીયા આવી રહેલી એસટી બસમાં અચાનક ભીષણ આગ: ડ્રાઇવર-કંડક્ટરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી

મેન્દ્રા ચોકડી પાસે ચાલતી બસમાંથી ધુમાડા નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ બળીને ખાખ

દેવગઢ બારીયા : ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પંથકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરાથી દેવગઢ બારીયા તરફ આવતી એક સરકારી એસટી બસમાં મેન્દ્રા ચોકડી પાસે અચાનક ભીષણ આગ લાગતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

વડોદરા ડેપોની આ એસટી બસ જ્યારે મુસાફરોને લઈને દેવગઢ બારીયા પહોંચવાની અણી પર હતી, ત્યારે મેન્દ્રા ચોકડી પાસે અચાનક બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને ડ્રાઇવર અને કંડક્ટરે અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી અને તુરંત જ બસને રોકીને તમામ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા હતા, જેથી લોકમુખે થતી ચર્ચા મુજબ બસમાં સવાર માત્ર ત્રણ વ્યક્તિઓ સુરક્ષિત રીતે બહાર આવી જવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે આકાશમાં આગના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, અને આ અંગે જાણ થતા જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ ફાયર ટીમ પહોંચે તે પહેલા જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી અને આ ઘટનાને કારણે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર, એસટી વિભાગ અને ડેપો મેનેજર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. એસટી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ હાલ તંત્ર દ્વારા આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થવાની રાહત સાથે બસમાં આગ લાગવા પાછળનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:18 AM IST)