તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
કડી-કલ્યાણપુરા માર્ગ પર આવેલા મેલેજ પાટિયા પાસેથી અચાનક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી
ચાલુ ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રકને સાઈડ પર ઉભી રાખી દીધી:આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ટ્રક અગનગોળામાં ફેરવાઈ ગઈ

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં આગની એક ગંભીર ઘટના સામે આવી છે. કડી-કલ્યાણપુરા માર્ગ પર આવેલા મેલેજ પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ચાલુ ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટ્રકને સાઈડ પર ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ટ્રક અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી.
હાઈવે પર લાગેલી આ આગને પગલે વાહનચાલકોમાં ભારે ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો.
આગની આ ઘટનાની જાણ થતા જ કડી નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જોકે, આગને કારણે ટ્રક અને તેમાં રહેલા સામાનને મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે.
રસ્તે ટ્રક સળગવાની ઘટનાને પગલે કડી-કલ્યાણપુરા હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. સુરક્ષાના કારણોસર પોલીસે અને સ્થાનિકોએ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનોને રોકી દેતા રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. ફાયર બ્રિગેડની કામગીરી પૂર્ણ થયા બાદ અને આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા પછી હાઈવે પર ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
