<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

દાહોદના જેકોટ ખાતે લૂપ લાઇન પર ઉભેલી એક માલગાડીના એન્જિનમાં અચાનક આગ લાગી

સદનસીબે ટ્રેન લૂપ લાઇન પર હોવાથી દુર્ઘટના ટળી :ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

દાહોદ જિલ્લાના જેકોટ સ્ટેશન પાસે આજે એક ગંભીર માલગાડીના એન્જિનમાં આગ લાગતાં ભાગોદોડ મચી ગઈ હતી.  ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેતાં મોટી  હોનારત થતાં અટકી છે.

 

મળતી જાણકારી અનુસાર આજે જેકોટ સ્ટેશન પર લૂપ લાઇન પર એક માલગાડી  થોભેલી હતી, ત્યારે અચાનક તેના એન્જિનમાં આગ લાગતા ચકચાર મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. સદનસીબે, માલગાડી મુખ્ય લાઇનને બદલે લૂપ લાઇન પર ઉભેલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોના સતત પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આ ઘટનાને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ કે ઈજા ના સમાચાર મળ્યા નથી, જે મોટી રાહતની વાત છે. રેલવે ટ્રેક પર થયેલી આ ઘટનાને કારણે ટ્રેન વ્યવહાર પર કોઈ મોટી અસર પડી છે કે નહીં, તે અંગે રેલવે તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 

(11:59 AM IST)