News of Friday, 17th April 2026
વાપીના ઇમરાનગર વિસ્તારમાં ગેસ લીકેજ થતા અચાનક આગ ભભૂકી : પાંચ નેપાળી શ્રમિક યુવકો ગંભીર રીતે દાઝ્યા
એક ચાલીના રૂમમાં ગેસ લીકેજ થવાને કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી:એક જ રૂમમાં રહેતા પાંચ નેપાળી શ્રમિક યુવકો ગંભીર રીતે દાઝી ગયા

વાપી :શહેરના ઇમરાનગર વિસ્તારમાં આવેલી એક ચાલીના રૂમમાં વહેલી સવારે ગેસ લીકેજ થવાને કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ રૂમમાં રહેતા પાંચ નેપાળી શ્રમિક યુવકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વાપીના ઇમરાનગર વિસ્તારમાં આવેલી એક ગીચ ચાલીમાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, રૂમમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાંથી રાત્રિ દરમિયાન ગેસ લીકેજ થયો હતો. સવારના સમયે જ્યારે રૂમમાં હાજર યુવકોએ રસોઈ બનાવવા અથવા અન્ય કોઈ કારણસર અગ્નિ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે હવામાં ફેલાયેલા ગેસે તરત જ આગ પકડી લીધી હતી. પળવારમાં જ આખી રૂમ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ રૂમમાં રહેતા 5 નેપાળી યુવકોને આગ લાગવાને પગલે તેમને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. પરિણામે, તમામ પાંચેય યુવકો આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ વાપી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. ઘાયલ થયેલા પાંચેય નેપાળી શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, યુવકોની હાલત નાજુક છે. પોલીસે આ મામલે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
