<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મે મહિનાના અંતિમ સપ્તાહમાં અરબ સાગરમાં સક્રિય થનાર મજબૂત સિસ્ટમથી વરસાદી માહોલ સર્જાઈ શકે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ 14 મે સુધીમાં રાજ્યમાં ગરમીનો આકરો પ્રકોપ જોવા મળશે.

અમદાવાદ :આગામી સમયમાં ગરમીનો પારો વટી જાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના મુજબ, મે મહિનાના અંતિમ સપ્તાહમાં અરબ સાગરમાં સક્રિય થનારી એક મજબૂત સિસ્ટમથી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 14 મે સુધીમાં રાજ્યમાં ગરમીનો આકરો પ્રકોપ જોવા મળશે. જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં ડીસા, પાલનપુર, સાંતલપુર, પાટણ, સમી અને હારીજમાં તાપમાન 44થી 45 ડિગ્રીના તાપમાન સાથે ભારે ઉકળાટની સંભાવના છે. જ્યારે 15 મેં બાદ ગરમીમાં ઘટાડો થઈ શકે છે.

કચ્છના વિસ્તારોમાં ગરમીનું મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જ્યારે અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી વટી શકે છે. આગામી 25 મે બાદ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનાના અંતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. ઉપરાંત,25 મે પછી અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેલી છે.

જો અરબ સાગરમાં આ સિસ્ટમ સક્રિય થશે તો, અરબ સાગરના તટીય વિસ્તારો અને ગુજરાતના ભાગોમાં 200 મીમી (આશરે 8 ઇંચ) જેટલો ભારે વરસાદ પડી શકે છે. તેમજ જો આ સિસ્ટમની દિશા બદલાઈને ઓમાન તરફ વળી જશે તો, ભારતના પશ્ચિમ કાંઠે ઓછા પ્રમાણમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

(2:22 PM IST)