તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ગાંધીનગરમાં ગરિમામય સમારોહ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪૪૯ નવનિયુક્ત બિન હથિયારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરાયા : વર્ષ ૨૦૩૩ સુધીમાં પોલીસમાં વધુ ૫૦ હજાર નવી ભરતી કરવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત
યુવા અધિકારીઓને નિષ્ઠા અને પ્રમાણિકતાથી વસુધૈવ કુટુંબકમનો મંત્ર સાકાર કરવા મુખ્યમંત્રીનું આહવાન : ઉમેદવારો માટે તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો ખુલ્લા મુકાશે અને ટેક્નોલોજીના યુગમાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ અત્યંત મહત્વનું હોવા પર ગૃહ રાજ્ય મંત્રીનો ભાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસ દળમાં નવ નિયુક્ત ૪૪૯ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલા આ ગરિમામય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવનિયુક્ત યુવાનોને નિષ્ઠા, પ્રમાણિકતા અને સમાજ સેવાની ભાવનાથી કર્તવ્યરત રહીને નાગરિક દેવો ભવ તથા વસુધૈવ કુટુંબકમના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મંત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસ અને ખ્યાતિમાં શાંતિ તેમજ સલામતીના પ્રહરી એવા પોલીસ દળનો સિંહફાળો છે અને નિષ્ઠાપૂર્વક કામ કરનારાઓની સાથે સરકાર હંમેશા ઊભી રહેશે. આ યુવાઓ વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સમારોહ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૩૩ સુધીમાં પોલીસ વિભાગમાં સીધી ભરતી દ્વારા નવી કુલ ૫૦ હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. છેલ્લા ૧૦ વર્ષમાં ૫૪,૫૦૯ જગ્યાઓ ભરાઈ છે, જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૧૫,૬૫૩ મહિલા કર્મચારીઓની ભરતી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હાલમાં પણ ૧૩,૫૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત મધ્યમ અને સામાન્ય વર્ગના ઉમેદવારોને ખાનગી ક્લાસીસના મોંઘા ખર્ચા ન ભોગવવા પડે તે માટે હવેથી ગુજરાતના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનો શારીરિક કસોટીની તૈયારી માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે ઉમેર્યું કે આ દેશમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી અને આ કેસની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરનારી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નવયુવાનોને આધુનિક યુગમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું.
રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે ખાખી વર્દી ધારણ કરનારા ૪૪૯ ઉચ્ચ શિક્ષિત પીએસઆઈ અને તેમના પરિવારોને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૨૬-૨૭માં વધુ ૧૩,૫૯૧ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ ખૂબ ઝડપથી કાર્યરત છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન ડૉ. નિરજા ગોટરુના સક્ષમ નેતૃત્વ હેઠળ માર્ચ ૨૦૨૪માં બોર્ડની રચના થયા બાદ આ પ્રથમ બેચની ભરતી પ્રક્રિયા અત્યંત સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે સંપન્ન થઈ છે. ડૉ. નિરજા ગોટરુએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં જાહેર કરાયેલી ૪૭૨ જગ્યાઓ માટે ૪.૬૦ લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી તમામ કસોટીઓ પૂર્ણ કરીને આ પસંદગી કરાઈ છે. આ અવસરે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ સહિતના નવા ફોજદારી કાયદાઓ તેમજ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા ઈ-મોડ્યુલ પહેલનો પ્રારંભ કરાયો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિરીક્ષક વહીવટ ગગનદીપ ગંભીર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
