<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

બનાસકાંઠાના વડગામના તેનીવાડા ગામમાં રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે કોમના જૂથો વચ્ચે અથડામણ

બંને જૂથો વચ્ચે છૂટ્ટા હાથે પથ્થરમારો: અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા : ગામની પ્રાથમિક શાળા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો

બનાસકાંઠાના વડગામના તેનીવાડા ગામમાં રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે કોમના જૂથો સામસામે આવી ગયા હતા. બાઈક અને ટ્રેક્ટરચાલકો વચ્ચે રસ્તાના મુદ્દે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં જૂથ અથડામણમાં ફેરવાયો હતો. બંને જૂથો વચ્ચે છૂટ્ટા હાથે પથ્થરમારો થયો હતો. ગામમાં એકબીજા પર પથ્થરો ફેંકવામાં આવતા હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. એટલું જ નહીં, ધાબા પરથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના વીડિયો સામે આવ્યા છે.

    આ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બીજી તરફ, બનાવને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામની પ્રાથમિક શાળા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં રાખવા પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.

(9:57 PM IST)