News of Saturday, 1st August 2026
આફત વચ્ચે આશાનું કિરણ: નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળ, ૧૦૧ સગર્ભાઓને શિફ્ટ કરી ૨૫ માસૂમોનો થયો સુરક્ષિત જન્મ!
'રેડ એલર્ટ' અને પૂરના ખતરા વચ્ચે આરોગ્ય તંત્રનું આગોતરું આયોજન; ૧૪૨ સગર્ભાઓની ઓળખ કરી ૧૫ ઓગસ્ટ પહેલાંની ડિલિવરી વાળી માતાઓને સલામત સ્થળે ખસેડાઈ

નર્મદા : ગુજરાતભરમાં મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે ત્યારે પૂર અને વરસાદી આફતો વચ્ચે નાગરિકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવી તંત્ર માટે મોટો પડકાર બની રહે છે. ખાસ કરીને ગામડાઓ કે નીચાણવાળા વિસ્તારોમાં સગર્ભા મહિલાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવી એ જીવન-મરણનો પ્રશ્ન બની જાય છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્રે માનવતા અને નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં 'ઓપરેશન સેફ ડિલિવરી' અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
૧૫મી ઓગસ્ટ સુધીની ડિલિવરી ડેટ ધરાવતી ૧૪૨ સગર્ભાઓનું ટ્રેકિંગ
રાજ્ય સરકાર દ્વારા મળેલી વિગતો અનુસાર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગના 'રેડ એલર્ટ'ને પગલે આરોગ્ય ટીમો સતર્ક બની હતી. પૂરની શક્યતા ધરાવતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૩૦ જુલાઈથી ૧ ઓગસ્ટ દરમિયાન ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ પહેલાં પ્રસૂતિની સંભવિત તારીખ (EDD) ધરાવતી ૧૪૨ સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. તંત્રની સમયસૂચકતાને કારણે આ પૈકી ૧૦૧ જેટલી સગર્ભા બહેનોને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી હતી.
નર્મદાના વિવિધ તાલુકાઓમાં ૨૫ નવજાત શિશુઓનો જન્મ
જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ આગોતરા આયોજનના ફળસ્વરૂપે હોસ્પિટલમાં ખસેડાયેલી મહિલાઓમાંથી ૨૫ સગર્ભા બહેનોની અત્યાર સુધીમાં સુખદ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી લેવામાં આવી છે. તાલુકાવાર આંકડાઓ પર નજર કરીએ તો:
· ગરુડેશ્વર તાલુકો: ૬ પ્રસૂતિ
· નાંદોદ તાલુકો: ૬ પ્રસૂતિ
· ચિકદા તાલુકો: ૫ પ્રસૂતિ
· સાગબારા તાલુકો: ૪ પ્રસૂતિ
· તિલકવાડા તાલુકો: ૩ પ્રસૂતિ
· દેડીયાપાડા તાલુકો: ૧ પ્રસૂતિ
માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ
વરસાદી તાંડવ વચ્ચે પણ આરોગ્ય કર્મચારીઓ અને તબીબોની રાત-દિવસની મહેનત રંગ લાવી છે. હાલમાં તમામ ૨૫ નવજાત બાળકો અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ, સુરક્ષિત અને તબીબી દેખરેખ હેઠળ છે. તંત્રની આ આગોતરી તૈયારી અને સંવેદનશીલ કામગીરીના કારણે મુશ્કેલ સમયમાં પણ અનેક પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયો છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
