તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
સુરતના પલસાણામાં હિટ એન્ડ રનની ઘટના પાછળ પૂર્વઆયોજિત હત્યાનું કાવતરું થયું હોવાનો ઘટસ્ફોટ
મૃતકની પત્નીને પામવા માટે હત્યા કરાવી :સાજીદની હત્યા કરવા માટે અબ્દુલરહેમાન શેખે સોયેબ નામના શખ્સને ₹૧ લાખની સોપારી આપી : સોયેબ હત્યા કરીને વાહન લઈને ફરાર થઈ ગયો હતો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામની હદમાં રમજાન માસ દરમિયાન બનેલા હિટ એન્ડ રનના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માત જણાતી આ ઘટનાનું પગેરું હત્યાના સુનિયોજિત કાવતરાં સુધી પહોંચ્યું છે.
ગત 15 માર્ચ 2026ના રોજ રાત્રે આશરે 12:45 વાગ્યા પહેલાં પલસાણા તાલુકાના વણેસા ગામની સીમમાં પલસાણા-બારડોલી રોડ પર 43 વર્ષીય સાજીદ પીરમહંમદ કુરેશી બર્ગમેન મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લઈ કચડી નાખ્યા હતા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે સાજીદનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસ મથકમાં હિટ એન્ડ રનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
સુરત ગ્રામ્ય LCBની ટીમો અજાણ્યા વાહનચાલકની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન LCB PI એન.જી. પાંચાણી અને PSI એ.એન. ચૌહાણને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાજીદનું મોત અકસ્માતમાં નહીં, પરંતુ પૂર્વઆયોજિત હત્યાના કાવતરાંના ભાગરૂપે થયું હતું. બલેશ્વર ગામના અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખે તેના મિત્ર સોયેબ ઘાંચીને એક લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું.
બાતમીના આધારે LCBએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સોપારી આપનાર અબ્દુલરહેમાન તાજેતરમાં સાઉથ આફ્રિકાથી પરત આવ્યો હતો, જ્યારે હત્યાને અંજામ આપનાર સોયેબ ઘાંચી બલેશ્વરથી ફરાર થઈ ગયો હતો.
સુરત ગ્રામ્ય જિલ્લા LCBએ આ હત્યાકાંડનો ભેદ ઉકેલી સોપારી આપનાર પલસાણાના બલેશ્વરમાં રહેતો 42 વર્ષીય અબ્દુલરહેમાન અબ્દુલમજીદ શેખ અને હત્યાને અંજામ આપનાર અમદાવાદના સરખેજમાં રહેતો 35 વર્ષીય સોયેબ અબ્દુલકાદર ઘાંચીને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કુલ ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા છે, જેની કિંમત આશરે રૂ.23 હજાર થાય છે. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પલસાણા પોલીસને સોંપવામાં આવ્યા છે.
સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે અબ્દુલરહેમાનને સાજીદની પત્ની સાથે પ્રેમસંબંધ બાંધવાની લાલચ હતી. સાજીદના કારણે તેને હેરાનગતિ થતી હોવાની માન્યતા રાખીને તેણે સાજીદને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. આ માટે પોતાના જ મકાનમાં ભાડેથી રહેતા સોયેબ ઘાંચીને એક લાખ રૂપિયામાં હત્યા કરવાની સોપારી આપી હતી
હત્યાના કાવતરાને અંજામ આપવા આરોપીઓએ કડી ખાતેથી એક બોલેરો પીકઅપ વાહન ખરીદ્યું હતું. ત્યારબાદ સાજીદને પૈસાની લાલચ આપીને આયોજનપૂર્વક બારડોલી બોલાવવામાં આવ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન અબ્દુલરહેમાન સાઉથ આફ્રિકામાં રહીને સાજીદ અને સોયેબ બંનેના સંપર્કમાં હતો. તે સાજીદનું લોકેશન સોયેબને આપતો હતો અને તેના આધારે સોયેબ બોલેરો પીકઅપ લઈને સાજીદનો પીછો કરતો હતો.
આખરે પલસાણા-બારડોલી રોડ પર સાજીદે પોતાનું મોપેડ ઊભું રાખ્યું ત્યારે સોયેબે તકનો લાભ લઈ પૂરઝડપે બોલેરો પીકઅપ સાજીદ પર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં સાજીદનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સોયેબ વાહન લઈને ફરાર થઈ ગયો હતો. હત્યાને સામાન્ય માર્ગ અકસ્માતનું સ્વરૂપ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
