News of Tuesday, 21st April 2026
ડેડિયાપાડાના ડાબકા પાસે લગ્નપ્રસંગે જતી પીકઅપ ગાડી પલટી: એકને ગંભીર ઈજા, ચાર ઘાયલ
મહારાષ્ટ્રથી ગુજરાત લગ્નમાં આવતી પીકઅપને નડ્યો અકસ્માત: ડાબકાના મુરબાઠી પાસે ગાડી પલટી ખાતા એકની હાલત ગંભીર

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના કુકડીપાદર ગામથી લગ્નપ્રસંગમાં માણસો ભરીને કોકટી (શિશા) ગામે જઈ રહેલી એક પીકઅપ ગાડી ડાબકા ગામના મુરબાઠી વિસ્તારમાં અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય ચાર લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના કુકડીપાદર ગામના લોકો બપોરે આશરે 01:00 વાગ્યાની આસપાસ પીકઅપ ગાડીમાં સવાર થઈ ડેડિયાપાડાના કોકટી (શિશા) ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે ડાબકાથી પીપલોદને જોડતા માર્ગ પર ડાબકા ગામના મુરબાઠી વિસ્તારમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ ગાડી ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી જતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનો દ્વારા મોઝદા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્ગ નર્મદા જિલ્લાના જાણીતા પ્રવાસન સ્થળો જેવા કે કોકમ, ચુલિયા હનુમાન મંદિર, નિનાઇ ધોધ અને સુપ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિરને જોડતો મુખ્ય રસ્તો છે. પ્રવાસીઓની સતત અવરજવર ધરાવતા આ રસ્તા પર થયેલા આ અકસ્માતે મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
