તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
પુષ્પા ફિલ્મ નો ડાયલોગ લખેલી પિકઅપ ગાડી:"દમ હૈ તો રોક કે દિખા શેખાવત" લખેલી બોલેરો પિકઅપ સાથે ખેરના લાકડાં ઝડપાયા, બે આરોપી રિમાન્ડ પર
તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને સાગ, ખેર અને શામળા સહિતના કિંમતી લાકડાંની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગે લાકડાની તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પી. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
વન વિભાગે MH 03 CP 5997 નંબરની બોલેરો પિકઅપ, જેના પાછળ પુષ્પા ફિલ્મ નો ડાયલોગ "દમ હૈ તો રોક કે દિખા શેખાવત" લખેલું હતું, તેને પાટ ગામ નજીક અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં છુપાવીને સાગ, ખેર અને શામળા સહિતના કિંમતી લાકડાંની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આ લાકડાં મહારાષ્ટ્રના કાકડીઆંબા ગામ તરફથી લાવી પાટ વિસ્તારમાં લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ પૂછપરછ દરમિયાન અન્ય સ્થળેથી પણ લાકડાં મળી આવતા વન વિભાગે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં વન વિભાગે સંજય ગંગારામ પાડવી (ઉં. 32 વર્ષ) અને મનીષ જિતેન્દ્ર પાડવી (ઉં. 34 વર્ષ) નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને સામે વન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 17 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ વન વિભાગ આ સમગ્ર પ્રકરણમાં લાકડાંના સ્ત્રોત, અન્ય સંડોવાયેલા ઇસમો અને તસ્કરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહ્યું છે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
