<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

પ્રાંતિજની નાનીભાગોળ વિસ્તારમાં એક વ્યક્તિએ અચાનક પોતાના ઉપર પેટ્રોલ છાંટીને જાતે જ આગ ચાંપી દીધી

આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરતા ગંભીર રીતે દાઝેલા શખ્શને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની નાનીભાગોળ વિસ્તારમાં આવેલા પ્રાંતિજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આગળના ભાગમાં અંદાજે 50 વર્ષથી વધુ ઉંમરના એક ઇસમે અચાનક પોતાના ઉપર પેટ્રોલ છાંટીને જાતે જ આગ ચાંપી દીધી હતી. આ ખૌફનાક પગલાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે હચમચો મચી ગયો હતો.

પોતાના શરીરે આગ ચાંપતા જ ઇસમ બૂમો પાડવા લાગ્યો હતો, જેને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક ધોરણે કટોકટી સેવા આપતી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 108ની ટીમે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ગંભીર રીતે દાઝેલા ઇસમને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસ અને તબીબી અહેવાલ મુજબ, આ ઇસમ શરીરે 70 ટકા કરતાં વધુ ગંભીર રીતે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે. પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની સ્થિતિ નાજુક જણાતા તેને વધુ અને વિશેષ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા તુરંત જ પ્રાંતિજ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઇસમે કયા કારણોસર અને કઈ પરિસ્થિતિમાં આત્યંતિક પગલું ભર્યું તે હજુ અંકબંધ છે અને પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.

(9:46 PM IST)