<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

જે પક્ષ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને નથી બચાવી શકતો, તે દેશ અને રાજ્યનું શું ભલું કરશે?: જગદીશભાઈ વિશ્વકર્મા

આગામી 26 તારીખે જંગી મતદાન કરી 'વિકાસના કમળ'ને વધુ મજબૂત કરવા ભાજપાના સૌ ઉમેદવારોને વિજયી બનાવવા જનતાને આહ્વાન કરતાં જગદીશભાઈ વિશ્વકર્મા :ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

અમદાવાદ :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એ ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે ભાજપા ઉમેદવારો ના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે કાર્યકર્તાઓ અને જનમેદનીને સંબોધન કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના ઇતિહાસમાં માતર મહત્વનો પાયો નાખનાર સ્થાન રહ્યું છે. નડિયાદની ભૂમિએ આપણને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા છે. નડિયાદમાં મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી યોજાવા જઈ રહી છે. સરદાર સાહેબની આ ભૂમિ પર પ્રથમ વખત નગરસેવક તરીકે ચુંટાવવુ એ ગર્વનો વિષય છે. તેમણે નડિયાદ મનપાના 13 વોર્ડના ભાજપાના તમામ 52 ઉમેદવારોના તેમજ ખેડા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના ભાજપાના સૌ ઉમેદવારોના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે, વર્ષ 2000ની આસપાસ જ્યારે ગુજરાત કુદરતી હોનારતો અને પાણીની તંગીથી ઝઝૂમતું હતું, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી હતી. તેમણે જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના રાજકારણને તિલાંજલિ આપીને વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો હતો.નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ગુજરાત જ નહીં, પણ દેશના 19 રાજ્યોમાં અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપા અને NDAની સરકારો જનસેવા કરી રહી છે. ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષથી ભાજપા અને મોદીજી પર અતુટ વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે કમળની મહેક વિકાસ સ્વરૂપે પ્રસરી રહી છે.
તેમણે કહ્યું કે, આઝાદી બાદ ૬૦ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું પણ કોંગ્રેસ માટે સત્તા માત્ર પરિવારવાદ અને જનતાના શોષણનું સાધન રહી છે. શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, કોંગ્રેસે ભારતીયોને મજૂરી કરતા વર્ગ તરીકે જોયા અને જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિ કરી.પરિવારવાદી પાર્ટીએ સતત જનતાનું લોહી ચૂસવાનું જ કામ કર્યું છે. ભાજપ માત્ર ચૂંટણી સમયે દેખાતી પાર્ટી નથી, પરંતુ 50 હજારથી વધુ બૂથ પર કાર્યકર્તાઓ સતત પ્રજા વચ્ચે રહી સેવા અને સમર્પણ ના ભાવ સાથે કાર્ય કરે છે.
કોંગ્રેસના શાસનકાળના કાળા દિવસો યાદ અપાવતા પ્રદેશ અધ્યક્ષએ કહ્યું કે, એક સમયે ગુજરાત ગુંડાતત્વો, કરફ્યુ અને રમખાણો માટે ઓળખાતું હતું. 19 માર્ચ 1987ના એ કાળા દિવસને યાદ કરતા તેમણે કહ્યું કે, જે રીતે આજે પંજાબમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે, તેવી જ રીતે કોંગ્રેસે ગુજરાતમાં 19 નિર્દોષ ખેડૂતો પર ગોળીઓ ચલાવી તેમને કોંગ્રેસે નિર્દયી રીતે શહીદ કર્યા હતા. આજે એ જ 'કાળો પંજો' ગુજરાતની તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પરંતુ જનતાએ તેમને સચોટ જવાબ આપી ઘરભેગા કરી દીધા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપાના સૌ ઉમેદવારો વિકાસકાર્યો માટેની સંકલ્પબદ્ધતા સાથે સતત જનતા વચ્ચે રહી કાર્ય કરવાની કટિબદ્ધતા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
સરકારની કામગીરી અંગે વાત કરતા વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્રભાઈ મોદીએ માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી ગુજરાતની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આણ્યો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોને અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડની સહાય, ટેકાના ભાવે 15 હજાર કરોડની ખરીદી અને ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપી રહી છે. ખેડૂતો કોંગ્રેસના શાસનમાં અંધકારમાં જીવતા હતા, વાળું સમયે પણ વીજળી નહોતી મળતી. આજે ગુજરાતમાં ૨૪ કલાક વીજળી ઉપલ્બધ છે અને ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી મળે તેની વ્યવસ્થા કરાઇ છે.
તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા વારંવાર કરવામાં આવતા ગુજરાતીઓના અપમાન અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનું અપમાન દેશની જનતા ક્યારેય સહન નહીં કરે. ગુજરાતીઓના અપમાન બાદ હવે મોદીજીને ખડગેજીએ આતંકવાદી કહ્યા છે તે કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસની નૌકા ડૂબી રહી છે. જે પક્ષ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને નથી બચાવી શકતો, તે દેશ અને રાજ્યનું શું ભલું કરશે? તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતને વધાવી, આગામી 26 તારીખે જંગી મતદાન કરી 'વિકાસના કમળ'ને વધુ મજબૂત કરવા જનતાને આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના ભાજપા અધ્યક્ષ શ્રીમતી નયનાબેન પટેલ ,સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, ધારાસભ્યઓ, પ્રદેશ કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી હેમલબેન પટેલ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં

(6:57 PM IST)