News of Monday, 20th April 2026
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે સ્વાસ્થ્ય સેવાનું નવું શિખર ઉમેરાશે: મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ નિર્માણ પામશે
પ્રથમ તબક્કા હેઠળ 120 બેડ સાથે સેવાનો પ્રારંભ કરાશે :હોસ્પિટલમાં 60 કાયમી અને 60 રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ રહેશે હાજર :મુંબઈ બહાર ગુજરાતમાં લીલાવતી હોસ્પિટલનું આ પ્રથમ મોટું વિસ્તરણ

ગાંધીનગર :ગુજરાતનું ગિફ્ટ સિટી હવે માત્ર ફાઈનાન્સિયલ હબ જ નહીં, પરંતુ હેલ્થકેર હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. મુંબઈની વિશ્વવિખ્યાત લીલાવતી હોસ્પિટલ હવે પ્રથમવાર મુંબઈ બહાર ગુજરાતમાં પોતાનું વિસ્તરણ કરી રહી છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે આ અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કાર્ય હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગયું છે.
આ મેગા પ્રોજેક્ટ વિશે મળતી માહિતી મુજબ, લીલાવતી હોસ્પિટલ કુલ 375 બેડની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવી રહી છે. આ વિશાળ હોસ્પિટલનું નિર્માણ ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં કરવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 120 બેડની સુવિધા કાર્યરત કરવામાં આવશે, જે ગિફ્ટ સિટીમાં વસતા અને આસપાસના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. માત્ર ગાંધીનગર જ નહીં, પરંતુ સંસ્થા દ્વારા અમદાવાદમાં પણ ક્લિનિક શરૂ કરવાની યોજના ઘડવામાં આવી છે
આરોગ્ય સુવિધાઓની ગુણવત્તા જાળવી રાખવા માટે, હોસ્પિટલમાં 60 કાયમી ડોક્ટરો અને 60 રેસિડેન્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે. અત્યાધુનિક ઓપરેશન થિયેટરો, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને ઈમરજન્સી કેર જેવી સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ગુજરાતના મેડિકલ ટુરિઝમને પણ વેગ આપશે. મુંબઈ બાદ ગુજરાતમાં લીલાવતી હોસ્પિટલનું આ પ્રથમ મોટું એક્સ્પાન્શન છે, જે રાજ્યની આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓને નવી ઊંચાઈએ લઈ જશે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
