<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

પ્રાંતિજની ધરતી પર વિજ્ઞાનનો નવો ચમકારો : સલાલ ગામ ખાતે નિર્મિત ‘ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક’ પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર : બે માસમાં ૩૫૦૦થી વધુ મુલાકાતીઓ નોંધાયા

ગુજરાત ગુજકોસ્ટ દ્વારા ₹૮ કરોડના ખર્ચે ૫,૯૩૦ ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામેલો અદભુત સેલ્ફ-એક્સપ્લેનેટરી પાર્ક : કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વની જીવંત માહિતી આપી ઉનાળુ વેકેશનને બનાવશે જ્ઞાનવર્ધક

ગાંધીનગર : ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ રાજ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવાના ઉદ્દેશથી એક અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે ભવ્ય ‘ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક’નું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ આ આધુનિક પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં બાળકોમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતાઓ અંગે સમજણ અને વૈજ્ઞાનિક વલણો વિકસિત કરવા પર વિશેષ ભાર મૂકતા આવ્યા છે, ત્યારે આ પાર્ક વિજ્ઞાન શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યો છે.

 

ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓનો અવિરત ધસારો:

આ નવનિર્મિત સાયન્સ પાર્ક મુલાકાતીઓ માટે વિજ્ઞાન પર્યટનના એક પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે. પ્રવાસીઓમાં અને ખાસ કરીને વિજ્ઞાનમાં રસ ધરાવતા મુલાકાતીઓમાં આ પાર્ક અત્યારે અનોખું આકર્ષણ ઊભું કરી રહ્યો છે. લોકાર્પણ થયા બાદ માત્ર ૨ મહિનાના ટૂંકા સમયગાળામાં જ લગભગ ૩૫૦૦થી વધુ મુલાકાતીઓ ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કની રોમાંચક મુલાકાત લઈ ચૂક્યા છે. હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવાથી આગામી દિવસોમાં અહીં મુલાકાતીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે.

 

₹૮ કરોડના ખર્ચે તૈયાર થયું અદભુત શૈક્ષણિક સંશોધન કેન્દ્ર:

ગુજકોસ્ટ દ્વારા ₹૮ કરોડના અંદાજિત ખર્ચે લગભગ ૫,૯૩૦ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં આ હાઈટેક પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પાર્કના ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવવા માટે આવી નવીન પહેલો અત્યંત મહત્વપૂર્ણ છે. આ પાર્ક કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્વને સરળતાથી સમજવા માટે એક ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક અને સંશોધન કેન્દ્ર તરીકે સેવા આપે છે, જેમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સંબંધો અને ઋતુગત ફેરફારોની સચોટ માહિતીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉષ્ણકટિબંધીય પ્રદેશો પૃથ્વીના કેન્દ્રની નજીક હોવાથી અતિ સમૃદ્ધ જૈવવિવિધતાઓ ધરાવે છે, જે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે પૃથ્વીનો આશરે ૪૦% ભૂમિ વિસ્તાર આવરી લે છે. કર્કવૃત્ત એ પૃથ્વીને વિભાજીત કરતા પાંચ મુખ્ય અક્ષાંશ વર્તુળોમાંનું એક છે, જ્યાં સૂર્ય તેની પરાકાષ્ઠાએ સીધો માથાની ઉપર દેખાઈ શકે છે.

 

ગુજરાતના ૭ જિલ્લાઓમાંથી પસાર થાય છે કર્કવૃત્ત રેખા:

કર્કવૃત્ત એ વિષુવવૃત્તથી ૨૩.૫૦ ડિગ્રી ઉત્તરના ખૂણા પર આવેલી એક કાલ્પનિક રેખા છે, જે ભારત સહિત વિશ્વના ૧૬ દેશો, ૩ ખંડો અને ૬ મોટા જળસંગ્રહોમાંથી પસાર થાય છે. ભારતમાં તે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, Tripura અને મિઝોરમ સહિત ૮ રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો કર્કવૃત્ત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે, જેમાં (૧) અરવલ્લી, (૨) સાબરકાંઠા, (૩) ગાંધીનગર, (૪) મહેસાણા, (૫) સુરેન્દ્રનગર, (૬) પાટણ અને (૭) કચ્છનો સમાવેશ થાય છે. આ રેખા પસાર થવાના કારણે જ રાજ્યમાં ખૂબ જ ગરમ અથવા ખૂબ જ ઠંડું વાતાવરણ અનુભવાય છે. આ ભૌગોલિક મહત્વ વિશે લોકજાગૃતિ કેળવવા માટે જ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઇવે પર આ એક્સપ્લોરેશન પોઇન્ટ વિકસાવાયો છે.

 

ખુલ્લા આકાશ નીચે વિજ્ઞાનની જીવંત પ્રયોગશાળા અને રોજગારની તકો:

આ સાયન્સ પાર્કની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિજ્ઞાનને માત્ર પુસ્તકોમાં વાંચવાનું નથી, પરંતુ તેને જીવંત રીતે અનુભવી શકાય છે. પાર્કમાં ખુલ્લા આકાશ નીચે વિવિધ મનોરંજક પ્રદર્શનો અને ખગોળીય માળખાં (એસ્ટ્રોનોમિકલ સ્ટ્રક્ચર્સ) ગોઠવવામાં આવ્યા છે. તેના દ્વારા મુલાકાતીઓને સરળતાથી સમજાવવામાં આવે છે કે પૃથ્વીનો ઝુકાવ ઋતુઓને કેવી રીતે અસર કરે છે, વર્ષ દરમિયાન સૂર્યની ગતિ અને પડછાયામાં કેવી રીતે ફેરફાર થાય છે તેમજ સન ડાયલ દ્વારા સમય અને સૂર્યની સ્થિતિને કેવી રીતે માપી શકાય છે. આ તમામ આકર્ષણો વિદ્યાર્થીઓ માટે આ સ્થળને એક ઓપન એર સાયન્સ લેબોરેટરી બનાવી દે છે. આ પાર્ક મુલાકાતીઓને વૈશ્વિક મહત્વ ધરાવતી અક્ષાંશ રેખા પર ઊભા રહેવાનો અનોખો અહેસાસ કરાવવાની સાથે સ્થાનિક સમુદાયો માટે રોજગાર અને પ્રાદેશિક વિકાસની નવી તકો પણ ઊભી કરી રહ્યો છે.

(6:19 PM IST)