તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ : ગાંધીનગર ખાતે કૃષિ વિભાગ અને ISRO (SAC) વચ્ચે ૩ ઓક્ટોબરે મહત્વપૂર્ણ MoU થશે
રિમોટ સેન્સિંગ, GIS અને AI ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યના કૃષિ ક્ષેત્રનું થશે ડિજિટલ મોનિટરિંગ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાતના કૃષિ ક્ષેત્રને અદ્યતન, વૈજ્ઞાનિક અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાના દિશાસૂચક સંકલ્પ સાથે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), અમદાવાદ વચ્ચે એક યુગલક્ષી સમજૂતી કરાર (MoU) સંપન્ન થવા જઈ રહ્યા છે.
આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ રિમોટ સેન્સિંગ, GIS અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રનું ડિજિટલ મોનિટરિંગ કરવું તેમજ પાક વિસ્તાર અને ઉત્પાદનનો સચોટ અંદાજ મેળવવાનો છે. આ ઐતિહાસિક પહેલથી રાજ્યના લાખો અન્નદાતાઓને સમયસર, સચોટ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળશે, સાથે જ સરકારના નીતિવિષયક નિર્ણયો પણ વધુ ઝડપી અને પારદર્શી બનશે.
MoUના મુખ્ય પરિમાણો અને ઉદ્દેશો:
• રાજ્યમાં ડિજિટલ એગ્રીકલ્ચરના સચોટ અમલીકરણ માટે ISRO (SAC) દ્વારા ઉચ્ચસ્તરીય તકનીકી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.
• રિમોટ સેન્સિંગ અને GIS ટેકનોલોજી દ્વારા પાક વાવેતર વિસ્તાર, ઉત્પાદન ક્ષમતા, પાક નુકસાનીનું મૂલ્યાંકન અને કૃષિ સલાહકારી સેવાઓને વધુ સચોટ બનાવવામાં આવશે.
• કૃષિ વિભાગ દ્વારા ક્ષેત્રીય માહિતી, પાક કાપણીના પ્રયોગો અને હવામાન સંબંધિત ડેટા પૂરો પાડવામાં આવશે; જ્યારે ISRO (SAC) ઉપગ્રહ આધારિત મૂલ્યવર્ધિત ઇમેજરી અને તકનીકી મોડેલ્સ શેર કરશે.
• વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમોની કાર્યક્ષમતા વધારવા માટે GIS અને રિમોટ સેન્સિંગ જેવા વિષયો પર સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાશે.
ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે:
• વાવણીથી લઈને કાપણી સુધી પાકનું સ્વાસ્થ્ય, હવામાનના ફેરફારો, જમીનમાં ભેજનું પ્રમાણ અને વાવણી સંબંધિત અગત્યની સંભાળ અંગેની માહિતી ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
• આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગથી રોગ-જીવાતની ત્વરિત ઓળખ થશે અને તેના નિવારણ માટે સચોટ ભલામણો મળશે.
• AI-સંચાલિત અને મેન્યુઅલ ચેટ-બોટ મારફત ખેડૂતો પોતાના કૃષિ વિષયક પ્રશ્નોનું ક્ષણવારમાં નિરાકરણ મેળવી શકશે.
• કૃષિલક્ષી સહાય યોજનાઓ, સુધારેલું કૃષિ સાહિત્ય અને વિવિધ મંડીઓના બજાર ભાવની માહિતી સરળતાથી મળી રહેશે.
• પૂર, દુષ્કાળ કે કમોસમી વરસાદ જેવી આપત્તિઓ સમયે પાક નુકસાનીનું સચોટ આંકલન સેટેલાઇટ ઇમેજરીથી થશે, જેથી સરકારી યોજનાઓ અને રાહત-સહાયના પગલાં વિના વિલંબે અમલી બનાવી શકાશે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સતત કાર્યરત:
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કૃષિ ભવન ખાતે હાઇ-ટેક વિડીયો વોલ, કન્ટ્રોલ રૂમ અને ૧૫ વિષય નિષ્ણાતોની ટીમ સાથેનું આધુનિક ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ સતત કાર્યરત છે. આ સેન્ટર વોટ્સએપ, ચેટબોટ અને હેલ્પલાઇન દ્વારા ખેડૂતોને ૨૪x૭ માર્ગદર્શન પૂરું પાડે છે. ક્ષેત્રીય કચેરીઓ અને યોજનાકીય સંપત્તિઓનું જીઓ-ટેગિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ISRO (SAC) સાથેની આ ભાગીદારી ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ક્રાંતિનો નવો સૂર્યોદય લાવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ અને સક્ષમ બનાવશે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
