<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

અમદાવાદમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો:કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યા

અગાઉની તકરારને કારણે યુવકને ઘેરીને ઘાતક હથિયારોથી કરપીણ મોતને ઘાટ ઉતારાયો:લોહિયાળ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત:પોલીસે મૃતકનો મૃતદેહ કબજે કરીને ગુનો નોંધ્યો

અમદાવાદ શહેરમાં નૂતન વર્ષની શરૂઆત થતા જ ગુનાહિત ઘટના સામે આવી છે. વર્ષના પ્રથમ દિવસે જ શહેરમાં યુવકની નિર્મમ હત્યાની ઘટના ઘટી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાર માળિયા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં જ્યારે લોકો નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે.

 

આપને જણાવી દઈએ કે, મૃતક યુવકની ઓળખ પ્રિન્સ દંતાણી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ અગાઉની જૂની અદાવત જવાબદાર છે. મોડી રાત્રિના સમયે આરોપીઓએ પ્રિન્સને એકલો જોઈને તેને ઘેરી લીધો હતો. બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રિન્સ પર ઉપરાઉપરી જીવલેણ ઘા કર્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.

 

 

હુમલો કર્યા બાદ હુમલાખોરો અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રિન્સ દંતાણીનું ટૂંકી સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચીને મહત્વના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

 

 

આ લોહિયાળ હત્યાકાંડ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. આ કેસમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મેળવી તેમને ઝડપી લેવા માટે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ટીમોએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાની કામગીરી તેજ બનાવી છે. પોલીસે આરોપીઓને ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે સઘન તપાસ આગળ ધપાવી છે.

 

(8:26 PM IST)