<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

દાહોદના સીંગવડના નાના આંબલીયા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં સગીરનું કરૂણમોત

શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નાના આંબલીયા નજીક બે બાઈક સામસામે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો

દાહોદ : જિલ્લાના સીંગવડ તાલુકામાં નાના આંબલીયા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક 17 વર્ષીય સગીર કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત નાના આંબલીયા સ્થિત સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓની બાઈકને નડ્યો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

 

શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની બાઈક લઈને પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન નાના આંબલીયા નજીક બે બાઈક સામસામે પ્રચંડ વેગે અથડાતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. નિયમોનું ઉલ્લંઘન કરીને બંને બાઈક પર ત્રણ-ત્રણ સવાર હોવાના કારણે કુલ છ યુવકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ગંભીર ટક્કરમાં 17 વર્ષીય વિદ્યાર્થી શિવરાજ કિશોરીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે બંને બાઈક પર સવાર અન્ય 5 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા.

 

આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા પાંચેય યુવકોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં શાળાએ જતા વિદ્યાર્થીનું મોત થતાં રણધીકપુરના કિશોરી ફળિયામાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં માતમ અને શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(5:55 PM IST)