<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પાટણના આધેડનું 10 થી 12 શખ્સોએ અપહરણ કરી જાગીરમઠમાં લઇ જઈ બેરહેમીથી માર માર્યો

જાગીરમઠના બે અલગ-અલગ જૂથ અને મહંતો વચ્ચે લાંબા સમયથી ગાદી બાબતોને લઈને મનદુઃખ : બે મહંતો વચ્ચેની જૂની તકરારમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું

બનાસકાંઠા જિલ્લામાંથી અપહરણ અને જૂથ અથડામણ જેવો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના દાદર ગામના વતની એવા આધેડ અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું ગત 11 જુલાઈના રોજ મોડી સાંજે અપહરણ કરવામાં આવ્યું હતું. 10 થી 12 અજાણ્યા શખ્સોના સશસ્ત્ર ટોળાએ અજમલભાઈને નિશાન બનાવી ગેરકાયદે કારમાં ઉઠાવી જતાં સમગ્ર પંથકમાં અને ચૌધરી સમાજમાં ચકચાર મચી ગઈ છે.

અપહરણકારો આધેડ અજમલભાઈ ચૌધરીને કોઈ અવાવરું સ્થળે લઈ જવાને બદલે સીધા જાગીરમઠની જગ્યામાં લઈ ગયા હતા. ત્યાં બંધક બનાવીને 10 થી 12 શખ્સોના ટોળાએ તેમની સાથે અતિશય અમાનુષી વર્તન કર્યું હતું. આક્ષેપ છે કે, ટોળાએ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ આધેડને લાકડીઓ અને પાઇપ વડે ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ હિંસક ઘટના પાછળ બે મહંતો વચ્ચે ચાલી રહેલો જૂનો વિવાદ હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, જાગીરમઠના બે અલગ-અલગ જૂથ અને મહંતો વચ્ચે લાંબા સમયથી ગાદી બાબતોને લઈને મનદુઃખ ચાલી રહ્યું હતું. આ જૂની અદાવતમાં જ આધેડ અજમલભાઈને પક્ષકાર સમજીને અથવા વેર વાળવાના હેતુથી નિશાન બનાવી તેમનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પીડિત પક્ષે કર્યા છે.

 

લોહીલુહાણ હાલતમાં મુક્ત થયેલા પીડિત આધેડ અજમલભાઈએ હિંમત દાખવીને તાત્કાલિક થરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પોતાની આપવીતી જણાવી હુમલાખોરો વિરુદ્ધ નામજોગ અને અજાણ્યા મળી 10 થી 12 શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને અપહરણ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવા શોધખોળ શરૂ કરી છે.

(12:48 AM IST)