તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
છોટાઉદેપુરના બોડેલી સેવા સદનમાં આવેલી પ્રાંત કચેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી
આગ પહેલા માળે આવેલી SDM ચેમ્બર સુધી ફેલાઈ જતાં સરકારી દસ્તાવેજો અને ફર્નિચરને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સરકારી સેવા સદનમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં બપોરના સમયે પ્રાંત કચેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સેવા સદનના પહેલા માળે આવેલી એસડીએમ (SDM) ચેમ્બર તેની ઝપેટમાં આવી ગઈ હતી. કચેરી ચાલુ હતી તે દરમિયાન જ આગ લાગતાં ત્યાં હાજર અધિકારીઓ, કર્મચારીઓ અને પોતાના કામ અર્થે આવેલા લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
બોડેલી સેવા સદન સત્તાવાર કામકાજથી ધમધમી રહ્યું હતું, ત્યારે બપોરના સમયે અચાનક પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પ્રાંત અધિકારી (SDM)ની મુખ્ય ચેમ્બરને પોતાની લપેટમાં લઈ લીધી હતી. કચેરીની અંદર સરકારી દસ્તાવેજો અને ફર્નિચર હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. આગની લપેટ જોઈને કચેરીમાં હાજર લોકો જીવ બચાવવા માટે બહારની તરફ દોડ્યા હતા.
આગની આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કચેરીના મહત્વના રેકોર્ડ અને ફર્નિચરને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
