તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
વિરમગામના જખવાડા ગામે ખુલ્લા વાડામાં ભીષણ આગ ભભૂકી : આજુબાજુના 7થી વધુ મકાનોને આંશિક નુકસાન
વાડામાં રાખેલા સૂકા ઘાસચારાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરી અને નાસભાગનો માહોલ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિરમગામ-અમદાવાદ હાઇવે પરના જખવાડા ગામે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગામમાં રહેણાંક મકાનોની નજીક આવેલા એક ખુલ્લા વાડામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. વાડામાં રાખેલા સૂકા ઘાસચારાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.
રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક આવેલા વાડામાં મોટા પ્રમાણમાં ઘાસચારો સંગ્રહિત કરાયો હતો, જેમાં અકળ કારણોસર આગ લાગી હતી. સૂકું ઘાસ હોવાના લીધે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને આજુબાજુ આવેલા 7થી વધુ મકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે મકાનોને આંશિક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, આગની જ્વાળાઓ ગામના આરો (RO) પ્લાન્ટ અને આસપાસના બાવળના ઝુંડ સુધી પણ ફેલાઈ ગઈ હતી.
આગની આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક સ્તરે મોટું આર્થિક નુકસાન થયું છે. વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
