<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું :બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરીને સુરત આવી સ્થાયી થયા હતા

ગંભીર હાલતમાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં સતત છ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ આખરે દમ તોડી દીધો

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, એક યુવાન પરિણીતાએ મોતને વહાલું કરી લીધું છે. 22 વર્ષીય મહિલાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સતત છ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ આખરે તેણીએ દમ તોડી દીધો છે.

ઘટનાની વિગતો મુજબ, મધ્યપ્રદેશની વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય મમતાદેવીના પ્રથમ લગ્ન અગાઉ મધ્યપ્રદેશમાં થયા હતા. જ્યાં તેમને એક સંતાન પણ છે. જોકે, ત્યારબાદ મમતાદેવીને વિષ્ણુકુમાર નામના યુવક સાથે પ્રેમ થતાં તેઓ બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરીને સુરત આવી સ્થાયી થયા હતા. મૃતક પરિણીતાના પરિવારમાં માતા કે ભાઈ નથી, માત્ર તેમના વૃદ્ધ પિતા જ હયાત છે.

ગત 16 મે, 2026 ના રોજ બપોરના સમયે જ્યારે ઘરમાં કોઈ ન હતું. ત્યારે મમતાદેવીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગભરાયેલા પતિ વિષ્ણુકુમારે તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી અને પરિણીતાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ગંભીર સ્થિતિને જોતા તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

 

આ ગંભીર મામલા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા પાંડેસરા પોલીસને વાકેફ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે, 6 દિવસની સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નીપજ્યું છે. પોલીસે પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આત્મહત્યાનું કારણ ઘરનો આંતરિક કંકાસ હોવાનું સામે આવ્યું છે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:51 PM IST)