તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
અરવલ્લીમાં સાયબર ઠગોનું મોટું નેટવર્ક ઝડપાયું: ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં ₹1.85 કરોડનું તોતિંગ કૌભાંડ, કમિશનની લાલચે અનેક લોકો ફસાયા
સેવાના નામે સોપો: બેંક એકાઉન્ટ અને OTP આપનાર સામાન્ય નાગરિકો જ બની ગયા ગુનેગાર, પોલીસે 71 ફરિયાદોના આધારે કર્યું 'ઓપરેશન સાયબર ફ્રોડ'

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સાયબર ગુનાખોરી સામે પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું અને ચોંકાવનારું ઓપરેશન પાર પાડ્યું છે. ચેરિટેબલ ટ્રસ્ટના નામે સેવાના કામો થતા હોવાની ભ્રમણા ઊભી કરી, સાયબર ઠગોએ ₹1.85 કરોડનું તોતિંગ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લામાં નોંધાયેલી 71 જેટલી વિવિધ ફરિયાદોના પગલે સાયબર ક્રાઇમ પોલીસની સઘન તપાસમાં આ આખું નેટવર્ક ખુલ્લું પડતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
કમિશનની લાલચમાં અનેક લોકો બન્યા ભોગ
આ કૌભાંડની કામગીરી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ સામાન્ય લોકોને વિશ્વાસમાં લેવા માટે ચેરિટેબલ ટ્રસ્ટના બેંક ખાતા અને કમિશનની લાલચ આપતા હતા. ઠગો લોકો સમક્ષ પ્રસ્તાવ મૂકતા કે જો તેઓ તેમના બેંક ખાતા, QR કોડ અને OTP શેર કરશે, તો ટ્રાન્ઝેક્શન દીઠ 7 ટકા કમિશન મળશે અને ₹25 લાખ સુધીની રકમ પણ મળી શકે છે. આર્થિક લાલચમાં આવીને અનેક નિર્દોષ લોકોએ પોતાની ખાનગી બેંક વિગતો આરોપીઓને સોંપી દીધી, જેના પરિણામે તેઓ અજાણતા જ એક મોટા ગુનાહિત રેકેટમાં આરોપી બની ગયા.
પોલીસના સપાટામાં મુખ્ય આરોપીઓ
અરવલ્લી સાયબર પોલીસની ટીમે બાતમીના આધારે આ સમગ્ર નેટવર્કને વીંખી નાખ્યું છે. આ કેસમાં વિષ્ણુ ઠાકોર, આઝાદ, જીગર ચૌધરી અને સચીન નામના શખ્સોની સીધી સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ માત્ર અરવલ્લી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર રાજ્યમાં ફેલાયેલું હોવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નાગરિકો માટે સાવચેતીની લાલબત્તી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી હજુ અનેક આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે. પોલીસે જાહેર જનતાને ફરી એકવાર અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ફોન કે સોશિયલ મીડિયા પર ક્યારેય OTP કે બેંક એકાઉન્ટની ગુપ્ત માહિતી શેર ન કરવી. સેવાની આડમાં ચાલતું આ આર્થિક શોષણ સાબિત કરે છે કે લોભ-લાલચમાં કરવામાં આવેલી એક ભૂલ તમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
