તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ગુજરાતમાં મોટા પ્રમાણમાં નવું રોકાણ આવશે
જાપાન-સાઉથ કોરિયાના પ્રવાસ બાદ હર્ષ સંઘવીનું નિવેદન : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને સાઉથ કોરિયાના પ્રવાસ બાદ અમદાવાદ પરત ફર્યા

અમદાવાદ,તા.૨૬: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન અને સાઉથ કોરિયાના પ્રવાસ બાદ અમદાવાદ પરત ફર્યા છે. આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જાપાન અને સાઉથ કોરિયાના પ્રવાસ બાદ રાજ્યમાં નવા રોકાણોનો મોટો પ્રવાહ આવવાની અપેક્ષા છે. 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' પૂર્વે તેમણે ત્યાંના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. પૂર્વ એશિયન દેશોની મુલાકાત પૂર્ણ કરીને હર્ષ સંઘવી રવિવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
હર્ષ સંઘવીએ કહ્યું, આ મુલાકાત દરમિયાન 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' પહેલાં વિદેશી રોકાણ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો યોજવામાં આવી હતી. જાપાનના ઓસાકા, કોબે અને ટોકયો શહેરમાં ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ચર્ચાઓ થઇ હતી. આ ઉપરાંત, સાઉથ કોરિયાના ડેગુ અને સિઓલ શહેરોમાં પણ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ મુલાકાતો દરમિયાન સેમિકંડક્ટર, ઓટોમોબાઇલ, એન્જાિનિયરિગ અને ટેક્સટાઇલ ક્ષેત્રોમાં રોકાણની તકો પર ચર્ચા થઇ હતી, જેમાં બન્ને દેશના ઉદ્યોગો, લો ફર્મ અને સલાહકારો તરફથી સકારાત્મક સહયોગ મળ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જાપાન અને સાઉથ કોરિયાના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
આ દરમિયાન, સાઉથ કોરિયાના પ્રવાસે ગયેલા ગુજરાતના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ડેગુ (Daegu)માં અગ્રણી વૈશ્વિક કાપડ કંપની યંગોન કોર્પોરેશન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેના પ્રમુખ જે યંક પાર્ક સહિત કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.
યંગોન કોર્પોરેશન આઉટડોર સ્પોર્ટ્સવેર, પર્ફોમન્સ એપેરલ અને ટેક્સટાઇલ ઉત્પાદનમાં અગ્રણી વૈશ્વિક કંપની છે, જે વિશ્વભરમાં લગભગ ૧૦૦,૦૦૦ લોકોને રોજગારી આપે છે. તે ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડ અને કૃત્રિમ સામગ્રીનું મુખ્ય ઉત્પાદક પણ છે.
બેઠક દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યંગોન કોર્પોરેશનને ગુજરાતમાં રોકાણ કરવા અને રાજ્યમાં સંયુક્ત સાહસો સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભાર મૂક્યો કે ગુજરાત ભારતના માનવસર્જિત ફાઇબર ઉત્પાદનમાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે અને કપાસના ઉત્પાદનથી લઈને રેડિમેડ કપડા સુધી સંપૂર્ણ ટેક્સટાઇલ વેલ્યૂ ચેન પ્રદાન કરે છે.
હર્ષ સંઘવીએ નવસારીમાં ૧,૧૪૨ એકરમાં વિકસિત પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્ક (PM MITRA Textile Park)માં યંગોન કોર્પોરેશન જેવી વૈશ્વિક કંપનીઓ માટે રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ગુજરાતની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ, બંદર માળખાગત સુવિધાઓ અને મજબૂત લોજાિસ્ટિક્સ કનેક્ટિવિટી રોકાણકારો માટે નોંધપાત્ર ફાયદા પ્રદાન કરે છે. તેમણે કંપનીના પ્રતિનિધિઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી આપવા અને ગુજરાતના ટેક્સટાઇલ કલસ્ટરોની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું છે. હર્ષ સંઘવીએ જાપાન અને સાઉથ કોરિયાના પ્રવાસ બાદ આ જાણકારી આપી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
