<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

સત્તા અને હોદ્દો થકી સેવાના માધ્યમથી નાગરિકોના દિલમાં સ્થાન બનાવવાની ઉત્તમ તક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

દરરોજ બે કલાક જનતાને સાંભળવા અને અઠવાડિયામાં પાંચ દિવસ ગામોની મુલાકાત લેવા પદાધિકારીઓને નાયબ મુખ્યમંત્રીનું આહ્વાન:જિલ્લાઓમાં સ્વચ્છતા, શાળાઓ અને પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ:પંચાયતી રાજ વ્યવસ્થા દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડી ‘વિકસિત ભારત @૨૦૪૭’નું સ્વપ્ન સાકાર થશે: પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પંચાયત પદાધિકારીઓ માટેની ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો સમાપન સમારોહ યોજાયો હતો. વિધાનસભાના ઉપાધ્યક્ષ  પૂર્ણેશ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં ત્રિ સ્તરીય પંચાયતના માળખાની કામગીરી અને નાગરીકો સાથે સંકલન વિશેના વિવિધ સત્રો યોજાયા હતા. 
પંચાયત સંસ્કરણ કાર્યશાળામાં ઉપસ્થિત પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓને સંબોધતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જમીની સ્તરે ઉતરીને વધુ લોકસેવા કરવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સત્તા અને હોદ્દો એ માત્ર કાગળ પર રહેવા માટે નથી, પરંતુ સેવાના માધ્યમથી નાગરિકોના દિલમાં સ્થાન બનાવવાની ઉત્તમ તક છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દેશભરનું એવું અગ્રેસર રાજ્ય છે જ્યાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે સીધો સંવાદ સાધી તેમના અધિકારો અને નાગરિકો પ્રત્યેની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નાગરીકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવો જરૂરી છે. પદાધિકારીઓને દિવસના બે કલાક નાગરિકો માટે ફાળવવા તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ વિવિધ ગામોની મુલાકાત લઈને સ્થળ પરના પ્રશ્નો સમજી તેમના સ્તરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
 સંઘવીએ વધુમાં કહ્યું હતું કે તમારે કાર્યકાળ દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો પરના દબાણો રોકવા, સરકારી શાળાઓની સુવિધાઓ અને શૌચાલયોની સ્થિતિ સુધારવી તેમજ સ્વચ્છતા અભિયાન જેવી પ્રાથમિક જરૂરીયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ. સૌ પદાધિકારીઓને જનહિતના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવા ઉમેર્યું હતું.
કાર્યક્રમના અંતે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌ પ્રતિનિધિઓને લોકસેવાના સંકલ્પ સાથે આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાપન સમારોહમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગામડાંઓનો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સીધા પ્રજા સાથે જોડાયેલા હોય છે. નાગરિકોની અપેક્ષાઓ, પીવાનું પાણી, ગટર, પાકા રસ્તા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ સંવેદનશીલતાપૂર્વક પૂર્ણ કરવી એ આપણી મુખ્ય જવાબદારી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચથી લઈને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સુધી સૌએ પારદર્શિતા અને જવાબદેહી સાથે કામ કરવું જરૂરી છે. વિકાસ કાર્યોને ગતિ આપવા માટે પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન અનિવાર્ય છે. અધિકારીઓ સાથે સકારાત્મક ચર્ચા-વિચારણા કરીને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો મહત્તમ લાભ ગામડાંના ખેડૂત, ખેતમજૂર અને છેવાડાના ગરીબ પરિવારો સુધી પહોંચાડવા તેમણે ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.
વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સાચું મૂલ્યાંકન કોઈ સરકારી સીઆર દ્વારા નહીં પરંતુ જનતાના હૃદયમાં કોતરાયેલી તેમની કામગીરીથી થાય છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પ્રતિનિધિઓએ સતત નવું શીખીને પોતાના કાર્યકાળ માટે વિસ્તારના વિકાસનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવો જોઈએ. લોકશાહીના સુચારુ સંચાલન માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ એક જ રથના બે પૈડાં સમાન છે, જેથી વિકાસની ગતિ જાળવી રાખવા વહીવટી નિયમોનો ઊંડો અભ્યાસ કરી અધિકારીઓ સાથે સંકલન કેળવી કામ કરવું જરૂરી છે. 
કાર્યશાળાના અંતે મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત પદાધિકારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 
આ એક દિવસીય કાર્યશાળામાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા, ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા સહિત રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોના નવનિયુક્ત પ્રમુખઓ, ઉપપ્રમુખઓ અને કારોબારી સમિતિના ચેરમેનઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:51 PM IST)