તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ : નક્સલ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ બનશે પરેડનું વિશેષ આકર્ષણ
લોખંડી પુરુષ સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં ગુંજશે રાષ્ટ્રીય એકતાનો સંદેશ : વિવિધ રાજ્યોની પોલીસ અને CAPF ના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે, 'નક્સલ મુક્ત ભારત' અને 'વિવિધતામાં એકતા' નો સંદેશ અપાશે

રાજપીપળા તા.૨૭ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 ઓક્ટોબર, 2026 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ-2026 નું આયોજન કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ પરેડ દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રહેશે.
રાષ્ટ્રીય એકતા દિવસની આ ઉજવણીમાં આ વર્ષે 'નક્સલ મુક્ત ભારત' અને 'વિવિધતામાં એકતા' ના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણ માટે આપેલા ઐતિહાસિક યોગદાનને સ્મરણ કરતાં આ પરેડ તેમના એકતાના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરશે.
આ વર્ષની પરેડનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ નક્સલવાદ વિરોધી કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડની ઉપસ્થિતિ રહેશે. સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે. આધુનિક સુરક્ષા વ્યવસ્થામાં ડોગની તીક્ષ્ણ સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો સંદેશ પણ આ ડોગ સ્ક્વોડ આપશે.આ ઉપરાંત પરેડમાં સુરક્ષા દળોની કાર્યક્ષમતા અને આત્મનિર્ભરતાને વિશેષ રીતે રજૂ કરવામાં આવશે.
પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના કુલ 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે. સાથે જ પોલીસ બેન્ડ, મોટરસાયકલ પ્રદર્શન, આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડની ભવ્યતામાં વધારો કરશે. NCCના કેડેટ્સ પણ 'વિવિધતામાં એકતા'ની ભાવનાને ઉજાગર કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ-2026 માત્ર ભવ્ય માર્ચપાસ્ટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ દેશની એકતા, સુરક્ષા દળોના સમર્પણ, સહકાર અને રાષ્ટ્રગૌરવનું પ્રેરણાદાયી પ્રતીક બનશે.
(આલેખન: સુખદેવ વસાવા)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
