તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગાંધીનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય 'મેગા બાઇક રેલી' યોજાઈ : ૫૦૦થી વધુ બાઇકર્સે આપ્યો માર્ગ સુરક્ષાનો સંદેશ
ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતિષ પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી રેલીને ફ્લેગ ઓફ કરાવી કરાવ્યું પ્રસ્થાન : પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી અને સાહિત્ય વી. રહ્યા ઉપસ્થિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:રાજ્ય સરકારના 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવવાના ઉદ્દેશથી આજે ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય 'મેગા બાઇક રેલી'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૯:૦૦ કલાકે સેક્ટર-૧૭ સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતિષ પટેલ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ અધિક્ષક સાહિત્ય વી. સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી દર્શાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીના પ્રસ્થાન પૂર્વે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ટ્રાફિક નિયમોના પાલન અંગેના સામૂહિક સંકલ્પ લીધા હતા.
આ રેલી હેલિપેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને ચ-૦ સર્કલ, રક્ષાશક્તિ સર્કલ, રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી સહિત ૧૫ થી ૨૦ કિલોમીટરના નિર્ધારિત વિસ્તારમાં ફરી હતી અને માર્ગ સલામતીનો મજબૂત સંદેશ ગૂંજી ઊઠ્યો હતો.
ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ, ગતિમર્યાદાનું પાલન, ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગ ટાળવા જેવા ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે.
૫૦૦થી વધુ રાઇડર્સે શિસ્તબદ્ધ રીતે ભાગ લીધેલી આ રેલીમાં ગાંધીનગર પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ્સ, SRP જવાનો, વન વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને યુવાનો જોડાયા હતા.
રેલીના પ્રસ્થાન સમયે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના જોઇન્ટ કમિશનર પી. બી. મંગુડા, માર્ગ અને મકાન વિભાગના ખાસ ફરજ પરના અધિકારી હેમંત સુથાર તથા ગાંધીનગર RTO કનકસિંહ પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
