તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
અમિયાર પ્રાથમિક શાળાના બે સેવાભાવી શિક્ષકોનો ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજાયો.
૭૬ બાળકોને યુનિફોર્મ અને વિધવા બહેનોને સાડી ભેટ આપી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની અમિયાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે કર્મનિષ્ઠ શિક્ષકો દામજીભાઇ બી. વસાવા અને ભરતભાઇ બી. ચૌધરી પોતાની વયનિવૃત્ત થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનો એક ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રામદાસભાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.
પોતાની લાંબી શૈક્ષણિક કારકિર્દીના અંતિમ દિવસે પણ બંને શિક્ષકોએ પોતાની ઉદારતા અને સેવાભાવનો પરિચય આપ્યો હતો. નિવૃત્ત થતા બંને શિક્ષકો તરફથી શાળાના ધોરણ-૧ થી ૫ માં અભ્યાસ કરતા તમામ ૭૬ બાળકોને એક-એક નવો યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના (M.D.M.) માં ફરજ બજાવતા બે વિધવા બહેનોને સાડી આપીને તેમજ શાળાના સમગ્ર સ્ટાફ મિત્રોનું સન્માન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે નિવૃત્ત થતા શિક્ષકો દ્વારા ઉપસ્થિત તમામ લોકો માટે પ્રીતિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભાવભીના વિદાય સમારંભમાં બીટ નિરીક્ષકો , શિક્ષક સંઘના હોદ્દેદારો, ટીચર સોસાયટીના પ્રમુખ અને મંત્રી, ગૃપ શાળાઓના મુખ્ય શિક્ષકો, એસ.એમ.સી. (SMC) ના સભ્યો તેમજ માજી બાંધકામ સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ, ગામના સરપંચ દિનેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગામના વડીલો, વાલીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહીને બંને શિક્ષકોને આદરપૂર્વક નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી ભવ્ય વિદાય આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શાળાના જ શિક્ષક અનિલભાઈ ચૌધરી દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
