<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

વડોદરાના ગોત્રી ગાર્ડનમાં યુવતી પર એકતરફી પ્રેમમાં પાગલ વિધર્મી યુવકનો જાહેરમાં હુમલો, લગ્ન માટે દબાણ કરી ના પાડતા ધમકી આપીને મારઝૂડ કરતા લોકો ભેગા થયા

વડોદરાના ગોત્રી ગાર્ડનમાં લાંબા સમયથી પીછો કરી પરેશાન કરનાર યુવકે યુવતીને લગ્ન માટે દબાણ કર્યું, સ્પષ્ટ ના પાડતા જ જાહેરમાં ઝપાઝપી અને મારામારી કરી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા, તા. 11 : શહેરના ગોત્રી ગાર્ડન વિસ્તારમાં એક યુવતી પર વિધર્મી યુવકે જાહેરમાં હુમલો કરવાની ઘટના સામે આવી છે. લગ્ન માટે ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીને ધમકી આપી મારઝૂડ કરતા ભારે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપી યુવકની અટકાયત કરી લીધી છે.

 

શું બની હતી ઘટના?

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોત્રી ગાર્ડનમાં યુવતી પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે આરોપી યુવક ત્યાં ધસી આવ્યો હતો. આરોપી લાંબા સમયથી યુવતીનો પીછો કરી તેને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતીએ સ્પષ્ટ ના પાડતા જ યુવક ઉશ્કેરાઈ ગયો અને જાહેરમાં જ યુવતી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. તેણે યુવતીને ધમકી આપી અને માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

 

પોલીસે તાત્કાલિક કરી કાર્યવાહી

 

 

ઘટનાની જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને યુવતીએ લગ્નની ના પાડતા ગુસ્સામાં આવીને તેણે હુમલો કર્યો હતો.

 

પોલીસની કાર્યવાહીથી લોકોમાં રાહત

 

 

જાહેર સ્થળે યુવતી પર થયેલા હુમલાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસે પેટ્રોલિંગ વધારવાની પણ ખાતરી આપી છે.

(3:34 PM IST)