<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કોઝવે પાસે ચોરીની શંકાએ મિત્રએ જ મિત્રનો જીવ લીધો : ઇંટના ઘા ઝીકી હત્યા

વહેમમાં અંધ બનેલા રાજેન્દ્ર જૈને આવેશમાં આવી જઈને બાજુમાં પડેલી ઈંટ ઉપાડી મિત્રના માથાના ભાગે ઝીંકી દીધી

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કોઝવે પાસે ભયાનક હત્યાની ઘટના સામે આવી છે. લોહીના સગાથી પણ વિશેષ ગણાતા મિત્રએ જ માત્ર શંકાના આધારે પોતાના મિત્રની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં આ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

 

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી રાજેન્દ્ર જૈન અને મૃતક બંને ગાઢ મિત્રો હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી રાજેન્દ્ર જૈનને તેના મિત્ર પર ચોરીનો વહેમ હતો. રાજેન્દ્રને શંકા હતી કે તેનો મિત્ર તેની વસ્તુઓની ચોરી કરે છે. આ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વહેમમાં અંધ બનેલા રાજેન્દ્ર જૈને આવેશમાં આવી જઈને બાજુમાં પડેલી ઈંટ ઉપાડી મિત્રના માથાના ભાગે ઝીંકી દીધી હતી.

 

નિર્મમ હુમલાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મિત્રનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ચોક બજાર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી રાજેન્દ્ર જૈનને દબોચી લીધો છે. 

 

(10:33 PM IST)