<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

બાજની ૫,૭૦૦ કિમીની અવિરત ઉડાનઃ ૧૦૧ કલાક સમુદ્ર પાર કરી કચ્‍છમાં લે છે વિસામો

માત્ર ૧૫૦ ગ્રામ વજનના નાનકડા અમુર બાજ ‘અલાંગ'એ વિશ્વને ચકિત કરી દીધું

અમદાવાદ,તા.૨૪:  માત્ર ૧૫૦ ગ્રામ વજનના નાનકડા અમુર બાજ ‘અલાંગ'એ વિશ્વને ચકિત કરી દીધું છે. મણિપુરના તામેંગલોંગ જિલ્‍લાના ચિઉલુઆન વિસ્‍તારમાંથી ૧૯ નવેમ્‍બરે ઉડાન ભર્યા બાદ તેણે ૧૦૧ કલાકમાં એટલે કે ચાર દિવસ અને પાંચ કલાકમાં વિના વિરામે ૫,૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને સોમાલિયા પહોંચવાની અનોખી સિદ્ધિ મેળવી છે. આ લાંબી સફર દરમિયાન તેણે કંઈ ખાધા-પીધા કે આરામ કર્યા વિના સતત અરબી સમુદ્ર ઉપર ઉડાન ભરી હતી.

તેની સાથે રહેલા પુખ્‍ત નર બાજ ‘અપાપાંગ'એ પણ ૯૫ કલાકમાં ૪,૧૦૦ કિલોમીટરનું અંતર કાપ્‍યું છે અને ૨૧ નવેમ્‍બરના છેલ્‍લા સેટેલાઇટ સંકેત મુજબ તે હજુ અરબી સમુદ્ર ઉપર જ હતો. બંને બાજે મણિપુરમાં ૨૫ દિવસ રોકાઈને ઊધઈ ખાઈને ચરબીનો સંગ્રહ કર્યો હતો, જે આ અવિરત ઉડાન માટેનું ઇંધણ બન્‍યું હતું. આ સ્‍થળાંતર યાત્રામાં કચ્‍છનું પણ આગવું મહત્ત્વ છે. જતી વખતે આ બાજ મણિપુર-નાગાલેન્‍ડ તરફથી આગળ વધે છે, પરંતુ પાછા ફરતી વખતે એપ્રિલ-મે મહિનામાં તે કચ્‍છ ઉપરથી જ પસાર થાય છે. આફ્રિકાથી ચીન તરફ જતા આ બાજ કચ્‍છના નાના રણ, નલિયા અને નવલખી વિસ્‍તારમાં થોડો સમય રોકાય છે, આરામ કરે છે અને કીડા-જીવડાં ખાઈને ફરી આગળની ઉડાન ભરે છે. કચ્‍છની સૂકી અને અર્ધ-સૂકી ભૂમિ તેને સોમાલિયા જેવી જ લાગતી હોવાથી કચ્‍છ તેના માટે માત્ર પડાવ નહીં, પરંતુ એક મુખ્‍ય હવાઈ માર્ગ બની ગયું છે. એક રીતે કહીએ તો મણિપુર તેનું ભોજનસ્‍થળ છે, તો કચ્‍છ તેનો રાજમાર્ગ છે.

(4:22 PM IST)