<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

વડોદરાના માંડવી ગેટ વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકે સ્કૂટર ચાલકને ઉલાળ્યો : પાદરામાં ટ્રકની અડફેટે ચડતા આધેડને પગ ગુમાવવો પડ્યો

નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી અને અકસ્માતગ્રસ્ત વાહનોને કબજે લીધા: પાદરાની મહુવડ ચોકડી પાસે ટ્રકે જોરદાર ટક્કર મારતા ત્રિકમસિંહ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર ફરી વળતા એક પગ ઘટનાસ્થળે જ કપાઈ ગયો

વડોદરા શહેર અને જિલ્લામાં બે અલગ-અલગ ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં રસ્તા પર બેફામ દોડતા વાહનોએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. એક નશામાં ધૂત કારચાલકે સ્કૂટર ચાલકને ટક્કર મારી, જ્યારે પાદરામાં એક ટ્રકની અડફેટે ચડતા આધેડને પોતાનો પગ ગુમાવવો પડ્યો છે.

 

વડોદરા શહેરના માંડવી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક નશામાં ધૂત કાર ચાલકે એક નિર્દોષ સ્કૂટર ચાલકને અડફેટે લીધો હતો. આ બનાવમાં સ્કૂટર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થળ પર હાજર સ્થાનિક રહીશોએ લોહીલુહાણ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સયાજી (SSG) હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક છે

 

આ ઘટના બાદ લોકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો. સિટી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી અને અકસ્માતગ્રસ્ત વાહનોને કબજે લીધા હતા. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી મેડિકલ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી છે.

 

બીજી તરફ, પાદરાની મહુવડ ચોકડી પાસે ધોળા દિવસે હૃદયદ્રાવક ઘટના બની છે. મહુવડ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા નિવૃત શિક્ષક ત્રિકમસિંહ પઢિયારની બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન ત્રિકમસિંહ રોડ પર પટકાયા અને ટ્રકનું ટાયર ફરી વળતા તેમનો એક પગ ઘટનાસ્થળે જ કપાઈ ગયો હતો. આ સમગ્ર ગોઝારી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વડુ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક હળવો કર્યો અને ગંભીર રીતે ઘાયલ ત્રિકમસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વડુ પોલીસે અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટ્રક ચાલકને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

.

(1:10 PM IST)