તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
દાહોદ જિલ્લાના રળિયાતી ગામની સીમમાં આવેલી નિર્જન બાંધકામ સાઇટ પર રાત્રી દરમિયાન ફરજ બજાવતા નિર્દોષ ચોકીદારને અજાણ્યા હુમલાખોરોએ પથ્થરના ઉપરાછાપરી ઘા ઝીંકી અત્યંત ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો, ક્રૂર હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર
મોડી રાત્રે સૂતેલા ચોકીદારના માથા-શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાની આશંકા, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો

દાહોદ, તા. 6 : દાહોદ જિલ્લાના રળિયાતી ગામની સીમમાં આવેલી એક બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા આધેડની પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માનવતાને શરમાવે તેવી ક્રૂરતાથી આચરવામાં આવેલી આ ઘટનાથી સમગ્ર રળિયાતી પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રિના સમયે બાંધકામ સાઇટ પર ચોકીદાર એકલો હાજર હતો. તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ સાઇટ પર આવી સૂતેલા ચોકીદારના માથાના ભાગે તેમજ શરીરે પથ્થરના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વહેલી સવારે અન્ય કામદારો સાઇટ પર પહોંચતા ચોકીદાર લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ, ડમ્પ ડેટા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બાંધકામ સાઇટ પર ચોરીના ઇરાદે આવેલા તત્વો દ્વારા કે પછી અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
