News of Thursday, 26th November 2026
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે આવતીકાલે ગાંધીનગરમાં ગૌભક્તોનું વિરાટ મહાસંમેલન
અડાલજના ત્રિમંદિર નજીક પર્વ મેદાનમાં એક લાખથી વધુ ગૌભક્તોને એકત્રિત કરવાનું લક્ષ્યઃ એક કરોડ અગિયાર લાખ હસ્તાક્ષરો સાથે સરકારને પ્રાર્થનાપત્ર અપાશે

ગાંધીનગર, તા. ૨૬ : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા, સમગ્ર ગૌવંશને રાષ્ટ્રીય ધરોહર તરીકે માન્યતા આપવા તથા દેશભરમાં ગૌહત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે આવતીકાલે શુક્રવાર તા. ૨૭ નવેમ્બરના રોજ ગાંધીનગરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર નજીક અડાલજના ત્રિમંદિર પાસે આવેલા પર્વ મેદાનમાં સવારે ૯થી સાંજના ૪ વાગ્યા સુધી યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી એક લાખથી વધુ ગૌભક્તો, સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને ધર્માચાર્યોને એકત્રિત કરવાનું આયોજકોનું લક્ષ્ય છે.
આ મહાસંમેલન દરમિયાન એક કરોડ અગિયાર લાખ હસ્તાક્ષરો સાથેનું પ્રાર્થનાપત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તેમના સચિવોના માધ્યમથી અર્પણ કરવાનું આયોજન છે. કેન્દ્ર સરકારમાં અલાયદા ગૌસેવા મંત્રાલયની સ્થાપના કરવા તેમજ ગૌસંરક્ષણ અને પંચગવ્ય ઉત્પાદનો અંગે કેન્દ્રીય કાયદો બનાવવાની માગ પણ કરવામાં આવશે.
અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વામી મુકુંદપ્રકાશજી સહિતના સંતોએ અભિયાનની વિગતો આપી હતી. ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન કોઈ રાજકીય પક્ષ કે સરકારના વિરોધમાં નથી. ગૌવંશની સેવા, સુરક્ષા, સંરક્ષણ અને સંવર્ધન માટે સંતસમાજ તથા ગૌભક્તોના સામૂહિક સહયોગથી શાંતિપૂર્ણ રીતે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
