<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ચૂંટણી તંત્રની ક્રૂર મજાક: સાયલામાં કાળઝાળ ગરમી વચ્ચે પ્રિસાઈડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ્યા, મંડપ નીચે કર્મચારીઓ પરસેવે રેબઝેબ

પાયાની સુવિધાઓના અભાવે કર્મચારીઓમાં ભારે રોષ; ૧૧૯ મતદાન મથકો માટે EVM વિતરણ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી, મહિલા કર્મચારીઓની હાલત કફોડી

સુરેન્દ્રનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે, પરંતુ આ લોકશાહીના પર્વની તૈયારીઓમાં સુરેન્દ્રનગરના સાયલા ખાતે ચૂંટણી તંત્રની શરમજનક લાપરવાહી સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ સેન્ટર પર આજે જાણે માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર છે, ત્યારે ચૂંટણીની ફરજ બજાવતા કર્મચારીઓને પીવાનું પાણી પણ નસીબ થયું નહોતું.

તંત્રની અણઆવડતનો નમૂનો એ વાત પરથી જ દેખાઈ આવે છે કે, આટલી ભીષણ ગરમીમાં કોઈ પાકા હોલ કે બિલ્ડિંગની વ્યવસ્થા કરવાને બદલે ખુલ્લા મેદાનમાં માત્ર કાપડના મંડપ (તંબુ) બાંધીને ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરી દેવાયું હતું. ગરમીના કારણે તંબુમાં ગરમ લૂ ફૂંકાતી હતી, જેમાં પ્રિસાઈડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ગરમીથી બચવા માટે પંખાની પૂરતી વ્યવસ્થા તો ઠીક, પણ ગળા સુકાતા કર્મચારીઓ જ્યારે પાણીના જગ પાસે ગયા ત્યારે તે પણ ખાલીખમ જોવા મળ્યા હતા.

મહિલા કર્મચારીઓ અને અધિકારીઓની કફોડી હાલત:

EVM વિતરણની કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ જોડાયેલી હતી. આકરી તરસ છીપાવવા માટે મહિલાઓ વારંવાર પાણીના ખાલી જગ પાસે આંટા મારતી જોવા મળી હતી. પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા આવેલા શિક્ષકો અને સરકારી બાબુઓએ તંત્રની આ 'ઠંડી' નીતિ સામે 'ગરમ' રોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે, જો ડિસ્પેચિંગ સેન્ટર પર આવી હાલત હોય, તો મતદાન મથકો પર વ્યવસ્થા કેવી હશે?

ચૂંટણીના આંકડા અને રાજકીય જંગ:

સાયલા તાલુકામાં આ વખતે રાજકીય જંગ ખરાખરીનો છે:

  • મતદાન મથકો: કુલ ૧૧૯ મતદાન મથકો પર મતદાન યોજાશે.
  • વિતરણ: ૧૩૯ જેટલા કંટ્રોલ યુનિટ (EVM) નું વિતરણ કરવામાં આવ્યું છે.
  • બેઠકો: સાયલા તાલુકા પંચાયતની ૨૦ અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે જંગ જામશે.
  • મતદારો: ૭૦ થી વધુ ગામોના અંદાજે ૯૫ હજારથી વધુ મતદારો ૭૫ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે.

ચૂંટણી જેવી મહત્વની જવાબદારીમાં જ્યારે કર્મચારીઓ દિવસ-રાત એક કરી રહ્યા હોય, ત્યારે પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી ન પાડી શકનાર અધિકારીઓ સામે હવે સોશિયલ મીડિયામાં પણ ફિટકાર વરસી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે, પણ કર્મચારીઓના મનમાં લાગેલો આક્રોશ હજુ શમ્યો નથી.

(8:43 PM IST)